રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો, લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો

Weather

રાજ્યમા છેલ્લા કેટલાક સમયથી ગરમીએ માઝા મૂકતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. અમદાવાદમાં તો ગરમીનો પારો 48 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે શનિવારે સાંજે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સુરત સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો લોકોને ગરમીથી પણ છુટકારો મળ્યો છે.

રવિવારે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. લોકોને આકરા તાપથી છુટકારો મળ્યો છે. જો કે વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન ફૂંકાયો હતો. જેથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રવિવારે અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ શામળાજી પંથકમાં તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. તો મહિસાગર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. જેથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચુકી હોય તેવું જણાઈ રહ્યું છે. જેથી ટૂંક સમયમાં જ વરસાદનું આગમન થાય તેવી શક્યતા છે.

વરસાદના આગમનની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 મે થી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિ મોન્સુન એક્તિવિટી શરૂ થશે. વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. જો કે હાલ સારો વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ સહિત કેટલાક વિસ્તારોમાં માત્ર હળવો વરસાદ થશે.

આગામી 25 મે થી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પણ જોવા મળશે. આ સાથે જ પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જો કે 10 જૂન બાદ ચોમાસાના વરસાદનો આરંભ થશે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જો કે દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળશે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો 15 થી 20 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. અમદાવાદમાં પણ હવે ગરમીના પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળશે. શનિવારે ગાંધીનગર, જૂનાગઢ, વડોદરા અને ભાવનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ત્યારે હવે વાતાવરણમાં પલટો આવતાં ગરમીનું પ્રમાણ ઘટશે અને વરસાદી પવન ફૂંકાશે.

Leave a Reply

Your email address will not be published.