રેઇન કોટ છત્રી કાઢીને તૈયાર રાખજો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Weather

રાજ્યભરમા હાલ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારમાં પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડે છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતુ ભેજવાળા વાતાવરણને કારણે બફારો હજુ પણ યથાવત છે. આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

દેશભરમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. આ દરમિયાન હવામાનનો મિજાજ બદલાતા સોમવારે દિલ્હી એનસીઆરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે આગામી 27 મે આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન કેરળમાં થઈ શકે છે. કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ મુંબઇ તેમજ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. જે બાદ દેશના અન્ય વિસ્તારોમાં ચોમાસું શરૂ થશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસુ સારૂ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર અનુસાર ચોમાસું ગુજરાતમાં ક્યારે દસ્તક આપશે તે જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 10 જુન સુધીમા ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. જો વાવણીલાયક વરસાદની વાત કરીએ તો 20 જુન આસપાસ અતિભારે વરસાદ થતાં વાવણી થઈ જશે.

ઉલ્લેખનીય છે કે 10 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસુ પહોંચી જશે. જે બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. 15 જૂન સુધીમાં સુરતમા ચોમાસાનુ આગમન થઇ જશે. સામાન્ય રીતે કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. જે બાદ 15 થી 20 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ દસ્તક આપે છે. ત્યારે આગામી 27 મેના રોજ કેરળમાં ચોમાસાનુ આગમન થઇ જશે. જે બાદ 10 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ દસ્તક આપે તેવી સંભાવના છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જૂન માસની શરૂઆતમાં જ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. તે બાદ ધીમે ધીમે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ થશે. જો કે વાવણી લાયક વરસાદ આવતા હજુ થોડી વાર લાગશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમા ચોમાસુ થોડું મોડું આવી શકે છે. સૌરાષ્ટ્રમાં 15 જૂન આસપાસ પ્રિ મોન્સૂન વરસાદ થશે.

રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા ગરમીના પ્રમાણમાં ઘટાડો થયો છે. હાલ 42 થી 43 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચ્યું છે. જો કે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થાય તેવી શક્યતા છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં ભારે પવન ફૂંકાવાની સાથે છૂટા છવાયા છાંટા પડે તેવી શક્યતા છે. જો કે રાજ્યમાં હજુ પણ ઉકળાટ યથાવત રહેશે. હાલ દિલ્હી એનસીઆરમાં વરસાદ થતા ત્યાં ચારેબાજુ ઠંડક પ્રસરી છે. ત્યારે હવે દેશના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.