બુધવારે આ વિસ્તારોમાં થશે વરસાદનું આગમન, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

Weather

ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે. વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જો કે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી પવનની અસરથી રાજ્યમાં હજુપણ બફારો યથાવત છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હાલ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા જોવા મળ્યા છે. તો કેટલીક જગ્યાએ તોફાની પવન ફૂંકાતા વરસાદની આશા જાગી છે. રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થતા જલદીથી મેઘો પધારે તેવી શકતા સેવાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત અને તાપીમાં પણ હળવો વરસાદ થાય તેવું શક્યતા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં પલટો આવતાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી બુધવારથી જ ચોમાસા પહેલાના વરસાદનું આગમન થશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બુધવારથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં મે ના અંત સુધી ગરમી યથાવત રહેશે. જો કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે છે. પરંતુ ગરમીથી સંપૂર્ણપણે છુટકારો નહિ મળે. રાજ્યમાં તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડશે.

હવામાન વિભાગના નવા અપડેટ મુજબ કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. જે બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે વરસાદનું આગમન થઈ જશે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં 15 જૂન બાદ ચોમાસુ વરસાદ શરૂ થશે.

રાજ્યમા સાબરકાંઠામાં મંગળવારથી પ્રિ મોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. તો હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી છવાયેલું જોવા મળ્યું છે. ત્યારે 25 મે ના રોજ ગુજરાતમાં ચોમાસાના વરસાદનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બુધવારથી સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં હળવા વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થશે.

મહત્વનું છે કે રાજ્યમાં જલ્દીથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે. 25 મે ના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતાં હળવા છાંટા પડી શકે છે. જો કે રાજ્યમાં વાવણી લાયક વરસાદ માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે.

Leave a Reply

Your email address will not be published.