સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દરિયો ગાંડોતૂર બન્યો, આવતી કાલે આ વિસ્તારોમા થઇ શકે છે વરસાદ

Weather

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે મંગળવારે સૌરાષ્‍ટ્રમાં વાતાવરણ બદલાયુ છે અને અનેક સ્‍થળે વાદળાઓ છવાયા છે. ત્‍યારે વલસાડ જીલ્લામાં અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો છે.

વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થવાની શક્યતા છે.

વલસાડમાં ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. ધાનપુર અને દેવગઢ બારીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણ ઠંડક પ્રસરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કેટલાક વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે વલસાડનો દરિયો તોફાની બનતા ભારે વરસાદ થયો છે. દરિયા કિનારે પૂર ઝડપે પવન ફુંકાતા કિનારે આવેલા સ્ટોલના પંડાલ ઉડી ગયા હતા. તોફાની પવન અને ઉંચા મોજાથી દરિયો ગાંડોતૂર જોવા મળી રહ્યો છે.

દિવસભરની ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે. રાજ્યમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મંગળવારે પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ભેજવાળા વાતાવરણ સાથે હળવો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લો પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદનું આગમન થાય તેવી શક્યતા છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઉકળાટ પણ રહેશે. આ સાથે જ રાજ્યમાં 10 થી 20 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

સોમવારે અચાનકથી હવામાનનો મિજાજ બદલાતા દિલ્હી એનસીઆરમા ભારે વરસાદ થયો હતો. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે મંગળવારે વહેલી સવારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

વરસાદ થતાં વલસાડ, નવસારી થતાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક પ્રસરી જવા પામી છે. જો કે તોફાની પવન ફૂંકાતા અને વરસાદ થતા ખેડૂતોમા કેરીના પાકને નુકસાન થવાનો ભય છવાયો છે. તોફાની પવન ફૂંકાતા કેરીનો પાક ખરી જતા ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી શક્યતા છે.

મંગળવારે વડોદરાના વાતાવરણાં પણ પલટો જોવા મળ્યો છે. સવારથી વડોદરા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેને કારણે શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાદળો છવાતાં શહેરીજનોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે. ચારેય બાજુ ઠંડક પ્રસરી જતા લોકોમા ખુશીનો માહોલ છવાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 25 મે થી પ્રિ મોન્સુન વરસાદ થઈ જશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published.