રાજ્યમાં ધીમે ધીમે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. ગત રવિવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગત રવિવારથી જ વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટાં નોંધાયાં છે.
આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. દરમિયાન આવતીકાલથી બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારથી સમગ્ર રાજયભરના વાતાવરણમાં અચાનક જ પલટો આવતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતાં કેરીના પાકને નુકસાન થયું છે. જો હજુ પણ આગામી દિવસોમાં વરસાદી ઝાપટાં નોંધાયાં તો કેરીના પાકને વધુ નુકસાન થવાની શક્યતાઓ છે.
આપને જણાવી દઇએ કે આ વર્ષે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં વહેલું પહોંચે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં સૌપ્રથમ ચોમાસાનો પ્રારંભ દક્ષિણ ગુજરાતમાંથી થાય છે. ત્યારે આ વર્ષે 10 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસે તેવી શક્યતાઓ છે. જે બાદ 15 થી 20 જૂન ની વચ્ચે રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ વિધિવત રીતે બેસી જશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ થોડા દિવસ પહેલા આગાહી કરવામાં આવી હતી કે, ભીમ અગિયારસની આસપાસ રાજ્યમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષે વરસાદ સારો રહેશે. જેથી ખેડૂતોને કૃષિ પાકમા વધારે ફાયદો મળે તેવા એંધાણ છે.