રોહિણી નક્ષત્ર વિશે રામજીભાઈ કચ્છીની આગાહી, વરસાદ મીની વાવાઝોડુ અને પવનની કેવી રહેશે સ્થિતિ

Weather

રાજ્યભરમાં કાગડોળે વરસાદની રાહ જોવાઇ રહી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ, નવસારી, સુરત સહિતના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પણ પડ્યા છે. ત્યારે એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર રામજીભાઈ કચ્છીએ રોહિણી નક્ષત્રમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ કેવી રહેશે તેની આગાહી કરી છે. 25 મે અને બુધવારથી સૂર્યએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે.

અત્યાર સુધી કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું હતું. ત્યારે બુધવારે રોહિણી નક્ષત્ર શરૂ થયું છે. જે 7 જૂન સુધી રહેશે. કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો વર્ષ સારું રહે તેવું કહેવાય છે. ત્યારે કૃત્તિકા નક્ષત્રમાં અમરેલીના કેટલાક વિસ્તારોમાં તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. તેથી આ વર્ષ સારું રહે તેવી સંભાવના છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ભારે પવન ફુંકાય તેવી પણ શક્યતા છે. રામજીભાઇ કચ્છીના જણાવ્યા અનુસાર આગામી 29 મે સુધીમાં ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને જુનાગઢ વિસ્તારમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. જ્યારે અમરેલી, ઉના, ભાવનગર અને મહુવા સહિતના કેટલાક વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગાહિકાર રામજીભાઈ કચ્છી દ્રારા ફરી એકવાર ચોમાસું, પવન અને વાવાઝોડાની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો તેમના જણાવ્યા અનુસાર રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે 28 મે આસપાસ ચોમાસુ કેરળ પહોંચી જશે. જે બાદ પવનનું જોર વધશે. જેથી 30 તારીખ સુધીમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ ભેજવાળું વાતાવરણ પણ રહેશે.

આગામી 30 તારીખ સુધીમાં દરિયામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેના પગલે દેશના મોટા ભાગના વિસ્તારમાં જૂન મહિનાની શરૂઆતમાં વરસાદ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં રોહિણી નક્ષત્રના નૌતપાના નવ દિવસ સુધી તડકો રહેશે. જો કે અમુકવાર વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે.

ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જેને પગલે કેટલાક વિસ્તારોમા અવાર નવાર વરસાદી ઝાપટા પડશે. તો સૌરાષ્ટ્રમા જૂનાગઢ, અમરેલી સહિતના પંથકમાં હળવા છાંટા પડે તેવી શક્યતા છે. જો કે 15 જૂન બાદ ભારે વરસાદ થશે. જેથી ખેડૂતો વાવણી કરી શકશે. હાલ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય શકે છે.

Leave a Reply

Your email address will not be published.