રાજ્યભરમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. હવે થોડા સમયમાં વરસાદનું આગમન થઈ જાય તેવી શક્યતા છે. ત્યારે વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમી ચોમાસું થોડા સમયમા કેરળ પહોંચે તેવી શક્યતા છે. જે બાદ ગણતરીના દિવસમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે. એટલે કે જૂન મહિનાની શરૂઆત થતાં જ ચોમાસુ ગુજરાતમાં દસ્તક આપશે. ત્યારે ચોમાસાના આગમન પહેલા જ ગુજરાતો દરિયો તોફાની બન્યો છે.
ગુજરાતમાં આગામી ચાર દિવસમાં વરસાદના એંધાણ દેખાઇ રહ્યા છે. આ સાથે જ ભારે પવન ફૂંકાઇ શકે છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. સામાન્ય રીતે 1 જૂન આસપાસ કેરળમાં ચોમાસું પહોંચે છે. જે બાદ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું શરૂ થાય છે. ત્યારે આ વર્ષે મે મહિનાના અંતમાં ચોમાસુ કેરળ પહોંચી જશે. જેથી ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા થશે.
છેલ્લા કેટલાક દિવસોથી હવામાનનો મિજાજ બદલાતા અનેક જગ્યાએ તોફાની પવન ફૂંકાઇ થયા છે. આ સાથે જ કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યના અમદાવાદ, વડોદરા તથા દક્ષિણ ગુજરાતના હવામાનમા પલટો આવ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન ખાતાના નવા અપડેટ મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવો વરસાદ પડી શકે છે. તો દક્ષિણ પશ્ચિમી ચોમાસુ આજે કેરળ પહોંચે તેવી સંભાવના સેવાઈ રહી છે. હાલ તો દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેથી આજે અનેક જગ્યાએ વરસાદની આગાહી કરાઈ છે. ઉપરાંત 29 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીના પગલે માછીમારોની તમામ બોટને કિનારે પાછી બોલાવી લેવામાં આવી છે. ઉપરાંત ફિશરીઝ વિભાગે માછીમારી કરવા જતા માછીમારોને ટોકન આપવાનું પણ બંધ કરી દીધું છે. અચાનક દરિયામાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સાવધાનીના પગલે માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
દરિયો ગાંડાતૂર બનતા તમામ બોટને હાલ માંગરોળ બંદર પાછી બોલાવી લેવામાં આવી છે. હાલ માંગરોળ બંદર પર કૂલ નાની મોટી 2800 જેટલી કિનારે છે. માછીમારોએ પોતાની તમામ બોટ માંગરોળ બંદર પર લાગવી દીધી છે. દરિયો ગાંડાતૂર બનતા અને તોફાની પવન ફૂંકાતા સાવધાનીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
સામન્ય રીતે કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ આગળ વધતુ હોય છે. ત્યારબાદ તે મહારાષ્ટ્ર અને ગોવામાં પહોચ્યા બાદ હવામાન અનુકુળ ન હોય તો સ્થિર થઈ જાય છે. જેના કારણે કેટલીકવાર ગુજરાતમાં એન્ટ્રી મોડી થતી હોય છે. પરંતુ આ વર્ષે હાલ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા થશે તેવું લાગે છે. પરંતુ વાતાવરણનો મિજાજ બદલાતા આગાહીના ફેરફાર થઈ શકે છે.