દેશભરમા ચોમાસાની રાહ જોવાઇ રહી છે. સામાન્ય રીતે કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે. જે બાદ દેશના અન્ય વિસ્તારોમાં ચોમાસાના વરસાદનુ આગમન થાય છે. કેરળમાં વરસાદ થતા દેશના અન્ય વિસ્તારોમાં પણ પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જાય છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસુ કેરળની નજીક આવી ગયુ છે. જેથી ટૂંક સમયમાં વરસાદનુ આગમન થઇ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળથી ચોમાસુ માત્ર 100 કિલોમીટરના અંતરે છે. જેથી 31 મે પહેલા જ ચોમાસું કેરળમાં દસ્તક આપે તેવી શક્યતા સેવાઇ રહી છે. દક્ષિણ પશ્ચિમી ચોમાસુ બંગાળની ખાડી સુધી પહોંચી ગયું છે. જે કેરળના તિરુવનંતપુરમ્ કિનારાથી માત્ર 100 કિલોમીટરના અંતરે છે. જેથી આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધીને કેરળ સુધી પહોંચે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 29 મેના રોજ ચોમાસુ કેરળમા દસ્તક આપે તેવી ભારે શક્યતા સેવાઇ રહી છે. જો કે વાતાવરણમાં ફેરફાર થતાં એક દિવસ મોડુ પણ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆત સામાન્ય રહેશે. કેરળમાં ચોમાસાનુ આગમન થયા બાદ ત્રણથી ચાર દિવસમા દેશના અન્ય વિસ્તારોમા પણ ચોમાસાનો વરસાદ થશે.
સામાન્ય રીતે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ 22 મે ના રોજ પહોચે છે. ત્યારે આ વર્ષે વાવાઝોડાને કારણે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ 15 મે ના રોજ એટલે કે વહેલુ પહોચી ગયું હતુ. જેથી સત્તાવાર ચોમાસુ કેરળમાં વહેલા પહોચે તેવી શક્યતા સેવાઇ રહી છે. જો કે દેશના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસુ નિર્ધારિત સમય કરતા વહેલા દસ્તક આપે તેવી શક્યતા છે.
હવામાન જણાવ્યા અનુસાર હાલ કેરળના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. જેથી ટૂંક જ સમયમાં ચોમાસુ દસ્તક આપી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી લોકોને આકરી ગરમીમાંથી રાહત મળશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ પડશે.
દેશના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે ધુળની ડમરીઓ પણ ઉડશે. હાલ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાં બંગાળની ખાડી તરફથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં 10 જૂન સુધી માત્ર હળવો વરસાદ થશે. જે બાદ હવામાનની સ્થિતિ બદલાતા ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતની વાત કરીએ તો આગામી 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ પહોંચી જશે. જો કે વાવણી લાયક વરસાદ થવામાં થોડી વાર લાગશે.