ત્રણ વર્ષે પહેલા સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતને હલાવી મૂક્યું હતું. કેટલાય મા બાપે પોતાના વ્હાલસોયા દીકરા દીકરીએ આ ઘટનામા જીવ ગુમાવ્યા હતા. આ ઘટનામા જતીન નાકરાણીએ આ ભુલકાઓને બચાવવા માટે ચોથા માળેથી કૂદકો લગાવ્યો હતો. આ દરમિયાન તેને ઇજા થતા તે કોમામા સરી પડ્યો હતો.
હાલ છેલ્લા ત્રણ વર્ષથી જતીન પથારીવશ છે. તેને પોતાની યાદશક્તિ ગુમાવી દીધી છે. એકનો એક દીકરો પથારીવશ થઇ જતા જતીનના માતા પિતાની હાલત દયનિય બની છે. જતીને લોન પર લીધેલુ મકાન બેન્ક દ્વારા સીલ થઇ જાય તેવી સ્થિતિમા છે. ત્યારે જતીન અને તેના પરિવારની મદદ માટે વિવિધ સામાજિક સંસ્થાઓ તથા લોકો આગળ આવ્યા છે.
જતીનના પરિવારની સહાય માટે દાનનો વરસાદ થયો છે. જતીનના પરિવારને ડાયમંડ કરિયર ફાઉન્ડેશન દ્વારા 6 લાખ રૂપિયા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 5 લાખ રૂપિયા, કાઠિયાવાડી મિત્ર મંડળ હોંગકોંગ દ્વારા 5 લાખ રૂપિયા, અન્ય સહાયથી બેન્ક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા તથા બાઢડા ગામના સરપંચ તરફથી 1 લાખ રૂપિયા આપવામા આવ્યા છે.
આ સિવાય અમદાવાદ અને સુરત સહિત રાજ્યના અનેક લોકોએ જતીનના પરિવારને આર્થિક મદદ કરી છે. ઉપરાંત જતીન નાકરાણીના ક્લાસમા આવતી વિદ્યાર્થીની પાયલ જીયાણી થોડા સમય પહેલા અમેરિકામા સ્થાયી થઈ છે. પાયલ પણ પોતાના પહેલા પગારમાથી પંદર હજાર રૂપિયાની સહાય જતીન નાકરાણીના પરિવારને કરશે.
બે દિવસમા જતીન નાકરાણીના પરિવારને 22 લાખ રૂપિયાની સહાય મળી છે. તક્ષશિલા અગ્નિકાંડ સમયે બાળકોનો જીવ બચાવવા માટે પોતાના જીવની પ્રવાહ કર્યા વિના આગળ આવેલા જતીન નાકરાણીની સહાય કરવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી છે.