ફરી એકવાર નવા અવતાર સાથે લોન્ચ થશે એમ્બેસેડર કાર, એક સમયે ભારતના રસ્તાઓ પર કરતી હતી રાજ

Auto

ભારતમા સત્તા અને રાજનીતિનું પ્રતિક ગણાતી એમ્બેસેડર કાર બહુ જલ્દી પુનરાગમન કરવા જઈ રહી છે. તેની ભવ્યતા રસ્તાઓ પર ફરીથી દેખાશે. પરંતુ આ વખતે આ કાર સંપૂર્ણપણે નવા અવતારમાં લોન્ચ કરવામાં આવશે અને ભવિષ્યના મોડલ અનુસાર તૈયાર કરવામાં આવશે.

એમ્બેસેટર બનાવનાર હિન્દુસ્તાન મોટર્સે યુરોપીયન ઓટોમોબાઈલ કંપની સાથે એમઓયુ સાઈન કર્યા છે. યુરોપિયન પાર્ટનરનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આ ડીલ Peugeot કંપની સાથે કરવામાં આવી છે. આ એમઓયુ અનુસાર, બંને કંપનીઓ ફરી એકવાર કંપનીના ઉત્તરપારા પ્લાન્ટમાં કાર અને સ્કૂટરનું ઉત્પાદન શરૂ કરશે.

હિન્દુસ્તાન મોટર્સના ડિરેક્ટર ઉત્તમ બોઝનું કહેવું છે કે નવી ‘એમ્બી’ ની ડિઝાઈન, નવા લુક અને એન્જિન માટે કામ ચાલી રહ્યું છે. તે પહેલેથી જ એડવાન્સ સ્ટેજમાં છે. કોલકાતાથી લગભગ 20 કિમી દૂર દેશનો સૌથી જૂનો કાર પ્લાન્ટ ઉત્તરપારા કાર પ્લાન્ટ આવેલો છે. જ્યારે જાપાનમાં ટોયોટાના પ્લાન્ટ પછી તે એશિયાનો બીજો સૌથી જૂનો પ્લાન્ટ છે.

હિન્દુસ્તાન મોટર્સના એમ્બેસેડર મોડલ 1970 સુધી ભારતના રસ્તાઓ પર રાજ કરતા હતા. બાદમાં મારુતિ સુઝુકી જેવી કંપનીઓના સસ્તા વાહનો આવવાને કારણે બજારમાં તેની માંગ ઘટવા લાગી. આખરે 2014માં કંપનીએ તેનું ઉત્પાદન બંધ કરી દીધું. વર્ષ 1948 થી અહીં બનાવવામાં આવી રહેલી કારનું ઉત્પાદન 1948 માં ઉત્તરપારા પ્લાન્ટમાં શરૂ થયું હતું. પરંતુ કંપનીની સૌથી લોકપ્રિય કાર મોડેલ એમ્બેસેડર 1960 ના દાયકામાં ભારતીય માર્ગો પર પ્રથમવાર આવી હતી.

તેને કંપની દ્વારા 1957માં લોન્ચ કરવામાં આવી હતી. ઓક્ટોબર 2014માં જ્યારે કંપનીએ આ પ્લાન્ટ બંધ કર્યો ત્યારે તેમાં 2300 કર્મચારીઓ કામ કરતા હતા. હવે તેમની સંખ્યા ઘટીને માત્ર 300 રહી છે. કંપની પાસે ઉત્તરપરામાં 275 એકર જમીન છે, જેમાં 90 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટનો સમાવેશ થાય છે. અનુમાન મુજબ યુરોપિયન કંપની સાથેની આ ડીલ લગભગ 600 કરોડની છે અને તેમાં મોટાભાગનો હિસ્સો હિન્દુસ્તાન મોટર્સ પાસે જવાનો છે.

Leave a Reply

Your email address will not be published.