દેશભરમાં કાગડોળે ચોમાસાની રાહ જોવાઇ રહી છે. ત્યારે હવામાન શાસ્ત્રીના જણાવ્યા અનુસાર અસાની વાવાઝોડાને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વેગ પકડ્યો છે. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂન આસપાસ કેરળ પહોંચે છે. ત્યારે આ વખતે ચોમાસુ ચાર દિવસ વહેલુ કેરળ પહોંચે તેવી શક્યતા છે. જેથી સમગ્ર દેશભરમાં ચોમાસું વહેલા દસ્તક આપશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ શ્રીલંકા પહોંચી ગયું છે. જે પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. તે આગામી બે ત્રણ દિવસમાં કેરળ પહોંચે તેવી શક્યતા છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાકમાં માલદીવ અને લક્ષદીપના આસપાસના વિસ્તારમાં ચોમાસુ દસ્તક આપશે તેવી આગાહી કરી છે.
કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ મહારાષ્ટ્ર, ગુજરાત અને દેશના અન્ય વિસ્તારોમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દિલ્હીમાં તાપમાનમાં થોડો વધારો થશે. જે બાદ વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે યુપી, બિહાર અને ઝારખંડમાં હળવો વરસાદ થશે.
ઉલ્લેખનીય છે કે આગામી 30 મે સુધીમાં ઝારખંડમાં તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે. તો બિહારમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. હાલ દક્ષીણ પશ્ચિમ ચોમાસું પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. જેથી હવામાન વિભાગે ઉત્તરપ્રદેશના 10 જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી યેલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 20 કરતા વધુ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.
દેશના મોટાભાગના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે વાદળછાયું વાતાવરણ છવાયેલું રહે છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતની વાત કરીએ તો 29 મે સુધી ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. જેના પગલે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ ગુજરાતના દરિયાકાંઠે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ સાથે જ દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે.