પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પર અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, આ કારણથી લોરેન્સ બિશ્નોઇની આંખમાં ખટકતો હતો મુસેવાલા

India

પંજાબી સિંગર અને રેપર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના કારણે સર્વત્ર સનસનાટી ફેલાઈ ગઈ છે. પંજાબના ટોચના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કેનેડા સ્થિત સાથી ગોલ્ડી બરારએ સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી છે. મળતી માહિતી મુજબ સિદ્ધુ મુસેવાલા લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગના નિશાના પર હતો.

માત્ર 28 વર્ષના સિદ્ધુ મુસેવાલાની હત્યાથી સમગ્ર પંજાબ હચમચી ગયું છે. ચાહકોના મનમાં એક સવાલ એ પણ છે કે સિદ્ધુ મુસેવાલા બિશ્નોઈ ગેંગના નિશાના પર કેમ હતા. તેની હત્યાનું કારણ શું હતું. મૂસેવાલાને ગેંગસ્ટરોએ ગોળીબાર કરી માર્યો હતો. જેમાં મુસેવાલા અને તેના બે સાથીદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ સિદ્ધુ મુસેવાલાને મૃત જાહેર કર્યા. સિદ્ધુ મુસેવાલા અને તેના સહયોગીઓ પર 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ગોલ્ડી બરારએ સિદ્ધુ મૂસેવાલાની હત્યા પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. ફેસબુક પર શેર કરેલી પોસ્ટમાં ગોલ્ડી બરારએ લખ્યું હતું કે, આજે પંજાબમાં મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. હું સચિન બિશ્નોઈ અને લોરેન્સ બિશ્નોઈ આની જવાબદારી લઈએ છીએ. આ અમારું કામ છે.

અમારા ભાઈઓ વિક્રમજીત સિંહ મિદુખેરા અને ગુરલાલ બરારની હત્યામાં મુસેવાલાનું નામ સામે આવ્યું હતું. પરંતુ પંજાબ પોલીસે મૂસેવાલા સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. અમને એ પણ જાણવા મળ્યું કે અમારા સહયોગી અંકિતના એન્કાઉન્ટરમાં સિદ્ધુ મૂસેવાલા પણ સામેલ હતો. મુસેવાલા અમારી વિરુદ્ધ કામ કરતા હતા. દિલ્હી પોલીસે તેમનું નામ પણ લીધુ. પરંતુ મૂસેવાલાએ દરેક વખતે પોતાની રાજકીય શક્તિનો ઉપયોગ કરીને પોતાને બચાવ્યા.

અહેવાલો અનુસાર 7 ઓગસ્ટ, 2021ના રોજ યુવા અકાલી દળના નેતા વિક્રમજીત મિદુખેરાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મૂસેવાલા પર આનો આરોપ લાગ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે મૂસેવાલાએ આ હત્યાને અંજામ આપવાની જવાબદારી તેના મેનેજર શગુનપ્રીત સિંહને આપી હતી.

શગુનપ્રીતે કથિત રીતે આ હત્યા માટે કૌશલ ગેંગના સભ્યોને રાખ્યા હતા. ત્યારથી શગુનપ્રીત સિંહ ફરાર છે. બાદમાં કૌશલ ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયથી સિદ્ધુ મૂસેવાલા ગોલ્ડી બરાર અને બિશ્નોઈ ગેંગના રડાર પર હતો. માહિતી અનુસાર શુક્રવારે જ સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા હટાવી દેવામાં આવી હતી. મુસેવાલાની સુરક્ષા સંપૂર્ણ હટાવવામાં આવી નહોતી પરંતુ સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

તેમની પાસે ખાનગી સુરક્ષા કર્મચારીઓ અને કમાન્ડો તથા બુલેટ પ્રુફ વાહનો પણ હતા. પરંતુ તે હત્યાના દિવસે એટલે કે 29મી મેના રોજ બુલેટ પ્રુફ વાહન વગર જ નીકળી ગયો હતો અને નિશાન બન્યો હતો. જ્યારે મૂસેવાલા પર હુમલો થયો ત્યારે તે તેના બે સાથીઓ સાથે કારમાં હતો. ત્યારબાદ કાળા રંગની કારમાં આવેલા બે શખ્સોએ સિદ્ધુ મુસેવાલા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published.