હાલ મોટાભાગના લોકો અભ્યાસ કરવા કે નોકરી ધંધો કરવા માટે વિદેશ જવા ઈચ્છે છે. જેના માટે દુબઈ, કેનેડા વગેરે જગ્યાએ જવા માટે સ્ટુડન્ટ વિઝા કે વર્ક પરમિટની જરૂર પડે છે. આ માટે લોકો કેટલીક એજન્સીની મદદ લે છે. ત્યારે સુરતમાંથી એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદેશ જવા ઈચ્છતા પાંચ લોકોને વર્ક પરમિટ વિઝાને બદલે ટુરિસ્ટ વિઝા પધરાવીને 26 લાખની છેતરપિંડી કરવામાં આવી છે.
એક ન્યુઝ ચેનલના અહેવાલ મુઝબ વેસુ વિસ્તારમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં રાહુલરાજ મોલની પાછળ સુમન મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતા અને હજીરાની ઓએનજીસી કંપનીમાં નોકરી કરતા મુકેશએ ઇન્સ્ટાગ્રામ પર વર્ક પરમીટ અને વિઝાની જાહેરાત વાંચી હતી. જેથી તેઓ ડુમસ રોડ પર લક્ઝુરિયા બિઝનેસમાં આવેલ એક ઓફિસ પર ગયા હતા. જ્યાં તેમણે ધાર્મિક, રાજેન્દ્ર અને હેમલ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.
આ દરમિયાન ઓફિસના ત્રણેય ભાગીદારોએ મુકેશને વર્ક પરમિટ વીઝા આપવાનું કહ્યું હતું અને 1.83 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે ટૂંક સમયમાં વર્ક પરમિટ વિઝાને બદલે ટુરિસ્ટ વિઝા અપાવ્યા હતા. જેથી મુકેશે પૈસાની માગણી કરી હતી. પરંતુ આ દરમિયાન ઓફિસના ત્રણેય ભાગીદારોએ તેમને ધમકી આપી હતી અને રાતો રાત તાળાં મારીને ભાગી ગયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ સહિત પાંચ જણાને આ ઓફિસ ધરાવતા ત્રણેય ભાગીદારોએ સ્ટુડન્ટ વિઝા અપાવવાની લાલચ આપીને 26.41 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમણે સ્ટુડન્ટ અને વર્ક પરમિટ વિઝાની લાલચ આપીને ટુરિસ્ટ વિઝા પધરાવી દીધા હતા. આ ઉપરાંત જ્યારે તેઓએ પૈસાની માગણી કરી તો તેમને ધમકી આપીને પોતે રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે મુકેશ સહિત પાંચ લોકો એ આ ટોળકી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
ઉમરા પોલીસે ત્રણ પૈકી બે ભાગીદારોની ધરપકડ કરી છે. જ્યારે ધાર્મિકની શોધખોળ ચાલુ છે. આ ટોળકીએ અગાઉ પણ વર્ક પરમિટ વિઝાને બદલે ટુરિસ્ટ વિઝા પધરાવીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. મુકેશે ઈન્સ્ટાગ્રામ પર એક જાહેરાત વાંચીને આ ઓફિસનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ ઓફિસના ભાગીદારોએ તેમની સાથે ઠગાઈ કરી. જેથી પોલીસ ફરિયાદ થતા પોલીસે ત્રણ પૈકી બે ભાગીદારોની ધરપકડ કરી છે. જ્યારે ધાર્મિકની શોધખોળ ચાલુ છે.