ચાલો ગુજરાતીઓ તૈયાર થઇ જાઓ, કેરળથી આગળ વધીને અહીંયા પહોંચી ગયું છે ચોમાસુ

Weather

ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વનું અપડેટ જારી કર્યું છે. કેરળમાં નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસુ પહોંચી ગયું હતું. ત્યારે ગુજરાતમાં પણ નૈઋત્યનું વિધિવત રીતે ચોમાસુ વહેલા બેસે તેવી શક્યતા સેવાઇ રહી છે. લોકો ચોમાસાના આગમનની દિનરાત રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે નવું અપડેટ જાહેર કરી દીધું છે. જેથી હવે જલદી જ વરસાદ ગુજરાતમાં પધારશે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ક્યારે અને કેટલો વરસાદ થશે તે જણાવવામાં આવ્યું છે. જો કે હાલ બે દિવસ માટે અમદાવાદમાં ગરમીને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું ટૂંક સમયમાં જ ગુજરાત પહોંચી જશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમની અસર જોવા મળશે. એટલે કે ગરમીના પ્રમાણમાં હવે ઘટાડો થશે. આ સાથે જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા પણ પડી શકે છે. તો અમદાવાદ માં બે દિવસ ગરમીનો માહોલ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થશે. આ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે. જેથી હાલ મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ટૂંક સમયમાં જ ચોમાસું આગળ વધીને મહારાષ્ટ્ર અને ગુજરાત પણ પહોંચી જશે.

હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વનું અપડેટ જારી કરી દીધું છે. જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 10 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું પહોંચી શકે છે. જો કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવણી લાયક વરસાદ થતા થોડો સમય લાગી શકે છે. ત્યારે 20 જૂન આસપાસ ગુજરાતમાં સંપૂર્ણપણે ચોમાસુ સક્રિય થાય તેવી સંભાવના છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફુંકાય તેવી શક્યતા છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પણ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પર એક મિની વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેના કારણે પોરબંદર પંથકના સાગરખેડૂ તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાના સમયગાળામાં 103 ટકા વરસાદ થઈ શકે છે. જેમાં ચાર ટકાનુ માર્જીન રાખવામાં આવ્યું છે. એટલે કે 4 ટકા વરસાદ વધારે કે ઓછો થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે.

ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં સારો વરસાદ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં જૂન મહિનામાં સારો વરસાદ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળમાં 29 મેના રોજ પહોંચેલું ચોમાસું હાલ આગળ વધીને કર્ણાટક સુધી પહોંચી ગયું છે. જે આગામી બેથી ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર પહોંચી જશે. ત્યારે જો હવામાન અનુકુળ રહેશે તો ટૂંક સમયમાં ચોમાસુ ગુજરાત પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published.