વડોદરાની જે યુવતી પોતાની જ સાથે લગ્ન કરવાની છે તેને લઈને સામે આવી અગત્યની બાબતો

Gujarat

લગ્નને જન્મો જન્મનો સંબંધ માનવામાં આવે છે. છોકરી છોકરા સાથે લગ્ન કરે છે. ઉપરાંત બે છોકરી કે બે છોકરા એકબીજા સાથે લગ્ન કરે તેવું પણ તમે સાંભળ્યું હશે પરંતુ હાલ ગુજરાતમાંથી લગ્નનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતિએ પોતે જ પોતાની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ તે હનીમૂન પર પણ જશે. ગુજરાતની આ કન્યા આત્મવિવાહ કરશે.

એક ન્યુઝ ચેનલના અહેવાલ ગુજરાતના વડોદરામાંથી આ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 24 વર્ષની ક્ષમા બિંદુ નામની યુવતી આગામી 11 જુનના રોજ લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન કોઈ સામાન્ય લગ્ન નહીં પરંતુ એક ખાસ લગ્ન છે. જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. કારણ કે 24 વર્ષની આ યુવતી પોતે પોતાની સાથે જ લગ્ન કરશે. તે લગ્ન રીત રિવાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ કરશે. પરંતુ તેમાં કોઈ વરરાજો નહિ હોય. આ લગ્નને ગુજરાતના પ્રથમ આત્મવિવાહ તરીકે ઓળખવામાં આવ્યા છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન યુવતીએ જણાવ્યું કે મારે ક્યારેય પણ લગ્ન ન હતા કરવા. મારે દુલ્હન બનવું નહોતું. જેથી મેં પોતે પોતાની સાથે જ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. યુવતી જણાવે છે કે આપણા દેશમાં સેલ્ફ મેરેજનું એક ઉદાહરણ પૂરું પાડનાર હું પ્રથમ છોકરી છું. યુવતી કહે છે કે મને બાળપણમાં જ પોતાની સાથે જ લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારે હું મારા આ સ્વપ્નને સાકાર કરવા જઈ રહી છું.

આ આત્મવિવાહના સમાચાર સાંભળીને લોકો ચોંકી ગયા છે. દરેક જગ્યાએ ગુજરાતની આ યુવતીની ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ બાબતે તે જણાવે છે કે કોઈ પણ માણસ હોય તે એવા વ્યક્તિ સાથે લગ્ન કરે છે જેને પ્રેમ કરે છે. પરંતુ હું મને પોતાને જ પ્રેમ કરું છું અને જેથી હું મારી પોતાની સાથે જ લગ્ન કરવા માંગો છું. એટલા માટે હું આત્મ વિવાહ કરવા જઈ રહી છું.

આ બાબતે યુવતી જણાવે છે કે મે 25 જેટલા લોકોને ફોન કર્યા ત્યારે મને ખૂબ મુશ્કેલીથી એક પંડિત મળ્યા છે. હું વિધિવત રીત સાથ ફેરા ફરીશ અને જાતે જ સિંદૂર લગાવીશ. આ લગ્નમાં કોઈ વરરાજો નહીં હોય. માત્ર એક જ વરમાળા હશે. તેઓ જણાવે છે કે આ લગ્નમાં મારા માતા પિતા વિડીયોકોલ દ્વારા હાજર રહેશે. હું દુલ્હન બનીશ પરંતુ કોઈની પત્ની બનવા માગતી નથી. તેથી હું ચણિયાચોળી પહેરીને દુલ્હનની જેમ તૈયાર થઇશ પરંતુ હું મારી પોતાની સાથે જ લગ્ન કરીશ.

યુવતીએ બાળક અંગે પણ ખુલાસો કરતા કહ્યું છે કે હું બાળક એડોપ્ટ કરીશ અને જો એવું નહીં થઈ શકે તો હું એનજીઓમાં બાળકો માટે કામ કરીશ. યુવતી આ નિર્ણયથી તેના માતા પિતા પણ ખુશ છે. તેમણે યુવતીને આત્મવિવાહ કરવા માટે આશીર્વાદ આપ્યા છે. યુવતી 11 જૂનના રોજ લગ્ન કરશે અને ત્યારબાદ તે હનીમૂન માટે ગોવા જશે. જ્યાં બે અઠવાડિયા સુધી રહેશે. આ અનોખા લગ્નની દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.