દેશ વિદેશમાંથી કેટલીવાર ભયંકર આગની દુર્ઘટના સામે આવતી હોય છે. ઘણીવાર એવી વિશાળ આગ લાગે છે જેના કારણે મોટી જાનહાનિ પણ થતી હોય છે. ત્યારે હાલ એક ભીષણ આગ દુર્ઘટના સામે આવી છે. જેમાં 35 લોકોના મોત થયા છે જ્યારે 450 ઘાયલ થયા છે. કન્ટેનર ડેપોમાં આગ ભભૂકી ઉઠતા 35 લોકો જીવતા ભડથું થઈ ગયા.
આ દુર્ઘટના બાંગ્લાદેશના ચટગામમાથી સામે આવી છે. જેમાં શીપીંગ કન્ટેનરમાં રવિવારે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પાંચ ફાયર જવાનો પણ શહીદ થયા છે. જ્યારે 450 જેટલી મોટી સંખ્યમાં લોકો ઘાયલ થયા છે. કન્ટેનરમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઊઠી હોવાનું સામે આવ્યું છે.
ચટગાંવ મેડિકલ કોલેજ હોસ્પિટલ પોલીસ ચોકીના પોલીસ અધિકારી નૂરુલ આલમના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. ફાયર સર્વિસ યુનિટના કર્મચારીઓ આગ ઓલવવામાં વ્યસ્ત હતા ત્યારે રાત્રે 11:45 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફેલાઈ ગઈ.
કન્ટેનરમાં કેમિકલ હોવાથી આગ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં ફેલાઈ હતી. કન્ટેનરમાં એટલો જોરદાર બ્લાસ્ટ થયો કે જેનો અવાજ કિલોમીટર સુધી સંભળાયો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 35 લોકો ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયા. આ ઉપરાંત અનેક ઘરના કાચ પણ તૂટી ગયા હતા. ઘટનામાં સેંકડો લોકો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે.
ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. BM કન્ટેનર ડેપોના ડાયરેક્ટર મુજીબુર રહેમાને કહ્યું કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ લાગે છે કે આગ કન્ટેનરમાંથી લાગી હતી. આ અંગે તપાસ ચાલુ છે. ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.