સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા આ તારીખથી થશે વરસાદનુ આગમન, હવામાન વિભાગની મહત્વની આગાહી

Weather

રાજ્ય ભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 8 જૂને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વાદળા બંધાશે અને વરસાદનું આગમન થશે. બે દિવસ બાદ વાતાવરણનો મિજાજ બદલાતાં મેઘરાજા એન્ટ્રી કરશે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસાના આગમનને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાના વલસાડ, નવસારી તથા અન્ય વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઇ શકે છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે સોમવારથી વાતાવરણમાં પલટો આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડાની અસર થઈ શકે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જે પહેલા 99 ટકા હતી. આ ઉપરાંત ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોમાસું સારું રહે તેવો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં સોમવારથી વાતાવરણમાં પલટો આવશે. જેથી વાદળો બંધાશે. આ સાથે જ હળવા છાંટા પણ થઈ શકે છે. તો 8 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ સાથે મેઘરાજાનું આગમન થઇ શકે છે. જ્યારે આગામી 14 જૂન આસપાસ રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

વાવણી લાયક વરસાદ લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 20 જૂન આસપાસ પ્રથમ વાવણી થશે. જ્યારે ભીમ અગિયારસે સારો વરસાદ થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. વેધર એનાલિસ્ટના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવામાનનો મિજાજ બદલાતા ટૂંક સમયમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થશે. જો કે કચ્છમાં ચોમાસુ પહોંચતાં થોડો સમય લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published.