આવતી કાલથી રાજ્યના વાતાવરણમાં જોવા મળશે બદલાવ, આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Weather

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બફારો વધી રહ્યો છે. ત્યારે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે વાતાવરણ પલટો આવતા વરસાદના આગોતરા જણાઈ થાય છે. આવતીકાલથી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનુ આગમન થાય તેવી પ્રબળ શક્યતા છે.

માર્ચ મહિનાથી અત્યાર સુધી ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરીને લોકો હવે થાકી ગયા છે. ત્યારે એક ન્યુઝ અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. આ સાથે જ લોકોને કાળજાળ ગરમીથી છુટકારો મળશે. તો ગુરુવારે સૌરાષ્ટ્રમાં વરસાદ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન ફુંકાઈ શકે છે. ઉપરાંત અમુક વિસ્તારોમા કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી તથા ગીર સોમનાથ વિસ્તારમાં ગુરુવારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ વહેલી સવારે હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે પવન ફૂંકાઇ શકે છે. તો દરિયા કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. ત્યારે આવતી કાલથી ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે.

જો કે ગરમી ભલે ઓછી થાય પરંતુ બફારો યથાવત રહેશે. કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને આકાશમાં છુટા છવાયા ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે. જો કે ટુંક જ સમયમાં વરસાદ જોર પકડતાં ચારે કોર ઠંડક પ્રસરી જશે જેથી બફારો દૂર થશે.

છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી ચાર દિવસ સુધી મેઘરાજા મહેરબાન થશે. મહારાષ્ટ્ર અને ગોવામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કાલે દક્ષિણ ગુજરાત અને ગુરુવારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે વાવણીલાયક વરસાદ થતાં થોડો સમય લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published.