ગુજરાત બોર્ડનુ દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવીને માતા પિતાના સપનાઓને સાકાર કર્યાં છે. આ સાથે જ કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ છે જેમણે કેટલાક પડકારનો સામનો કરી સફળતા મેળવી છે. આ બાળકોએ તમામ મુશ્કેલીઓને ટક્કર મારીને કડી મહેનત કરીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે. ત્યારે આ તેજસ્વી તારલા ચર્ચાનો વિષય બન્યા છે.
ગુજરાત બોર્ડ દ્વારા સોમવારે દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ વર્ષે માત્ર 65 ટકા જ પરિણામ આવ્યું છે. એટલે કે ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જે પડકારો સામે ઝઝૂમીને સારું પરિણામ લાવ્યા છે. ત્યારે અમદાવાદમાં સી એન વિદ્યાલયમાં ભણતી તન્વી ઠાકોર નામની વિદ્યાર્થીનીએ 95 ટકા મેળવ્યા છે.
તન્વીના પિતા રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. જ્યારે માતા છૂટક કામ કરે છે. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દીકરીએ દસમા દસમા ધોરણમાં ટ્યુશન નહોતું રાખ્યું. પરંતુ માતા પિતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેણે ખૂબ જ મહેનત કરી અને 95 ટકા લાવીને માતા પિતાનું નામ રોશન કર્યું. તન્વીએ દસમા ધોરણમાં ઝળહળતું પરિણામ લાવ્યા બાદ ભવિષ્યમાં આઈએએસ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
વડોદરામાંથી પણ એક દીકરીએ સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરી છે. વડોદરામાં ચાની લારી ચલાવતા પિતા અને સિવણકામ કરતી માતાની દીકરી ઇક્સિતા રાણાએ ધોરણ દસમાં 87.77 PR મેળવીને માતા પિતાનું નામ રોશન કર્યું છે. આ સાથે જ ઇક્સિતાએ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે જણાવે છે કે તેના માટે ખાનગી ટ્યૂશન રાખવું મુશ્કેલ હતું. દરરોજ 7 કલાક અભ્યાસ કરીને તેણે સારું પરિણામ મેળવ્યું.
વડોદરાની સમિધા પટેલે દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં 92.77 PR મેળવ્યા છે. તેણે પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 547 કિલોમીટર સાયકલ યાત્રા કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ સાથે જ તેણે આગામી દિવસોમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાયકલિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
સોમવારે આવેલા ધોરણ દસના પરિણામમાં પઠાણ તબસ્સુમ ઈલ્યાસ ખાને 94.50 ટકા સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. તેના પિતાએ એક પગ ન હોવા છતાં પણ રીક્ષા ચલાવી અને દીકરીની ભણાવી. ત્યારે પોતાના માતાપિતાના સપનાને સાકાર કરવા માટે દીકરીએ દરરોજ 18 કલાક અભ્યાસ કર્યો અને સફળતા પ્રાપ્ત કરી.
ધોરણ દસમાં સુરતના મોટા વરાછા ખાતે આવેલી સંસ્કારદીપ શાળાનું સારું પરિણામ આવ્યું છે. કુલ 23 વિધાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યા છે. જેમાં સુરતના રત્નકલાકાર અશ્વિનભાઈની દીકરી જેનીશા એ પણ એવન ગ્રેડ મેળવી માતા પિતાના સપના સાકાર કર્યાં છે. તો જેનીશાએ સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લઇ એમબીબીએસ કરી ડોક્ટર બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
રાજકોટના કેવલે દસમા ધોરણમાં 99.93 PR મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. તેના પિતાનું કોરોના કાળમાં બીજી લહેરમાં અવસાન થયું હતું. આ પરિસ્થિતિમાં કેવલ થોડો ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરંતુ તેના માતા આરતી બહેને કેવલને પપ્પાની ખોટ ન વર્તાય તે માટેની પૂરી કોશિશ કરી અને હિંમત આપી. આ સાથે જ કેવલે ઝળહળતું પરિણામ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું. કેવલ જણાવે છે કે હું ડૉક્ટર બનીને મારા પપ્પાનું સપનું સાકાર કરીશ.