અરબ સાગરથી આવતા પવનોની ગતિ વધતા વાતાવરણ બદલાશે, રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદની આગાહી

Weather

રાજ્યભરમાં બફારાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. બસ હવે ટૂંક જ સમયમાં વરસાદના આગમનના એંધાણ છે. ત્યારે હવામાન વિભાગે વરસાદના આગમનને લઇ ને મહત્વની આગાહી કરી છે. ગુજરાતમાં બુધવારથી જ ચોમાસા જેવો માહોલ શરૂ થઈ ગયો છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં વરસાદ પણ શરૂ થઇ ગયો છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચે એ પહેલા હવામાન પલટાયું છે. જેથી કેટલાક વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે. આ દરમિયાન એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર હવામાન વિભાગે ગુજરાતના 16 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જો કે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થાય એ પહેલાં જ વરસાદ શરૂ થઈ ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસા પહેલાનો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. જ્યારે આગામી 10 જૂનથી રાજયમાં વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. જેથી 14 જૂન સુધી ચોમાસા પહેલાનો વરસાદ પડી શકે છે. રાજ્યના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

એક ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 10 જૂન બાદ વરસાદની તીવ્રતામા થોડો વધારો થઇ શકે છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જો કે હવામાન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. એટલે કે છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ થશે.

રાજ્યમા ભારે ગરમી બાદ હવે વરસાદી દિવસો શરૂ થઇ ગયા છે. ત્યારે આવનારા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. રાજ્યમાં ચોમાસા પહેલાનો વરસાદ થયો છે. જેનું કારણ પવનની દિશા આવતો સતત બદલાવ છે. અરબ સાગરમાં એક સાઈકલોનિક સરકયુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં અરબી સમુદ્ર પરથી પવનો આવી રહ્યા છે.

સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે દરિયા પરથી ભારે પવનો આવી રહ્યા છે. જેના કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. અત્યાર સુધી રાજ્યમાં સૂકા પવનો આવી રહ્યા હતા. ત્યારે હવે ભેજવાળા પવનો આવવાના શરૂ થયા છે. જેથી ટુંક સમયમાં વરસાદની પ્રબળ શક્યતા છે. ત્યારે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રથી ચોમાસું 31 માર્ચ આસપાસ કર્ણાટકના કેટલા ભાગો સુધી પહોંચ્યું હતું. ત્યારે નવ દિવસથી ચોમાસું હજુ પણ આગળ વધ્યું નથી. હવે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ચોમાસું આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે. ત્યારે બે ત્રણ દિવસમાં અરબી સમુદ્ર પરથી આવતા પવનો વધશે. જેથી પવનની ગતિ વધવાની સાથે-સાથે ચોમાસું પણ આગળ વધી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 13 જૂન બાદ ચોમાસું ફરી મજબૂત બની શકે છે. જેથી વરસાદમાં પણ વધારો થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે એવું ચોક્કસ કહી શકાય નહીં. પરંતુ 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. જો કે હવામાનનો મિજાજ બદલાતા ચોમાસું વહેલું કે મોડું આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.