રાજ્યમાંથી અવારનવાર ચોરી અને લૂંટફાટના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં કેટલીકવાર રોકડ રકમ કે દાગીનાની લૂંટ થતી હોય છે. ત્યારે લુંટારાઓ બૈખોફ થઈ ગયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ATM માં પૈસા જમા કરાવવા ગયેલા યુવકને ચપ્પુની અણીએ રાખીને ત્રણ હથિયારધારી લૂંટારાએ લૂંટી લીધો.
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારનો યુવક વરાછા કો ઓપરેટિવ બેંકના ATM માં પૈસા જમા કરાવા ગયો હતો. ત્યારે ત્રણ ઈસમો એટીએમમાં આવ્યા હતા. આ દરમિયાન જ્યારે યુવક પૈસા જમા કરવા જઈ રહ્યો હતો ત્યારે આ શખ્સ તેની ફરતે ગોઠવાઈ ગયા અને ચાકુ જેવું તીક્ષ્ણ હથિયાર બતાવીને લૂંટ ચલાવી હતી. ત્રણેય લૂંટારુઓ ચહેરા પર માસ્ક અને રૂમાલ બાંધીને આવ્યા હતા. જેથી યુવકો સીસીટીવી કેમેરામાં કેદ થવા છતાં પણ ઓળખી શકાય તેમ નથી.
બુધવારે રાત્રે દસ વાગ્યા આસપાસ સચીન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ચંદનકુમાર શ્યાાપ્રસાદ ચોરસિયા વરાછા કો-ઓપરેટિવ બેન્કના એટીએમમાં પૈસા જમા કરવા ગયા હતા. તેઓ બેગમાં પૈસા ભરીને ATM મા જમા કરવા ગયા હતા. ત્યારે ATM મા પ્રવેશ કરતાંની સાથે જ ત્રણ ઈસમો જાણે પહેલેથી જ બેગમાં મોટી રકમ હોવાની માહિતી હોય તે રીતે અંદર પ્રવેશ્યા હતા.
આ સાથે જ જ્યારે યુવક ATM તરફ મોં રાખીને ઊભો રહ્યો ત્યારે આ ઈસમોએ યુવકને ઘેરી લીધો અને ચાકુની નોક પર પૈસા લૂંટી લીધા. યુવાન પોતાનો બચાવ કરે તે પહેલા જ તીક્ષ્ણ હથિયાર બતાવીને યુવક પાસેથી રોકડ રકમ લૂંટી લઇ શખ્સ ફરાર થઈ ગયા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ત્યારે સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
એક મીડિયા અહેવાલ અનુસાર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોઈ જાણભેદુ દ્વારા લૂંટ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. લૂંટારાઓને પહેલેથી જ યુવક પાસે મોટી રકમ હોવાની જાણ હોય તેવી શક્યતા છે. લૂંટારાએ 1.92 લાખ જેટલી મોટી રકમ લૂંટી હોવાનું સામે આવ્યું છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે સચીન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી લૂંટારાઓની શોધખોળ ચાલુ કરી છે.