આજથી મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત, જાણો ભીમ અગિયારસ પહેલા બેસતા આ નક્ષત્રમાં કેવો થાય છે વરસાદ

Weather

રાજ્યમાં ભારે ગરમી બાદ આખરે ઘણા વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ચૂકયું છે. જો કે હજુ સુધી ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં જ વરસાદ થયો છે. પરંતુ આ પ્રિ મોન્સુન વરસાદ છે. ચોમાસાનો વરસાદ હજુ સુધી શરૂ થયો નથી. અત્યાર સુધી ગુજરાત પર પાકિસ્તાન પરથી સૂકા પવનો આવતા હતા. જ્યારે હવે પવનની દિશા બદલાતા અરબી સમુદ્ર પરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. જેને કારણે ચોમાસાના આગમન પહેલાં જ રાજ્યમાં વરસાદ થઈ ચૂક્યો છે.

રાજ્યમાં ગત મંગળવારે અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર તથા બોટાદ જિલ્લામાં પ્રિ મોન્સુન વરસાદ થયો છે. ત્યારે લોકોને ચોમાસાના આગમનની આશા બંધાઈ છે. ગત મંગળવારે વાતાવરણનો મિજાજ બદલાતાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે નક્ષત્ર બદલાતા રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રોહિણી નક્ષત્ર પૂર્ણ થયું છે અને મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત થઈ છે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે. આ નક્ષત્રની દરમિયાન કડાકા ભડાકા સાથે વરસાદ થાય છે. ઉપરાંત મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થાય છે. જે ભીમ અગિયારસ પહેલા જ થતાં ખેડૂતોને પણ ફાયદો થાય છે. ત્યારે આજથી 11 જૂન સુધી વરસાદની શક્યતા છે.

રાજ્યમાં મગળવારે વાતાવરણ પલટો આવતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. અમરેલી તથા ભાવનગરના કેટલાક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે. ત્યારે હવામાનનો મિજાજ બદલાતા વલસાડ, નવસારી, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચોમાસુ બેસતા પહેલા વરસાદ પડી શકે છે.

ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. હાલ લોકલ અસ્થિરતાને કારણે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જો કે સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં વાવણી થવાની સંભાવના છે. જે બાદ 15 થી 22 જૂન સુધીમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે. વરસાદની સ્થિતિ અંગે સચોટ માહિતી મેળવતા રહેવા માટે હવામાન વિભાગના અપડેટનું અનુસરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.