રાજ્યમાં ભીમ અગિયારસનો મુહૂર્તનો વરસાદ, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા પાણી ભરાયા

Weather

રાજ્યમાં ભીમ અગિયારસ પહેલા જ વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે. ભીમ અગિયારસ આવતા જ ખેડૂતોને કૃષિની સિઝનનો પ્રારંભ થતો હોય છે. ત્યારે ગોંડલમાં શુક્રવારે ધોધમાર વરસાદ પડ્યો છે. આજે ભીમ અગિયારસ છે. ત્યારે ગોંડલમાં ભુક્કા બોલાવી તેવો વરસાદ થતાં ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવ્યું છે. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયાં છે.

ભીમ અગિયારસે વરસાદ થતાં ખેડૂતો ખુશ થયા છે. કહેવાય છે કે ભીમ અગિયારસે વરસાદ થાય તો પાક માટે સારું ગણાય છે. ત્યારે ગોંડલમાં ભારે વરસાદ થતાં નદી નાળા બે કાંઠે વહેતા થતાં છે. ગોંડલના વાસાવડ, દેવળીયા અને દડવા સહિતના ગામોના ભારે વરસાદને કારણે પાણી વહેતા થયા છે. ભારે ગરમી વચ્ચે વરસાદ થતા ચારે કોર ઠંડક પ્રસરી જવા પામી છે.

ગોંડલના શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યો કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. જેથી થોડી વારમાં જ મેઘરાજાએ પધરામણી કરતા ચારે બાજુ પાણી વહેતા થયા. ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયાં. આજે ભીમ અગિયારસ છે ત્યારે ભીમ અગિયારસે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે. વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો છે. આ સાથે જ ભીમ અગિયારસનું મુહુર્ત પણ સચવાયું છે.

રાજ્યમાં ત્રણ દિવસ પહેલા અમરેલીના સાવરકુંડલા, લાઠી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ થયો હતો. આ સાથે જ ભાવનગરમાં પણ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટો આવતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો હતો. તો વરસાદને પગલે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ત્યારે શુક્રવારે ગોંડલમાં વરસાદ થતાં ભીમ અગિયારસનું મુહુર્ત સચવાયું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા નૈઋત્યના ચોમાસાના આગમનને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદ થવાની આગાહી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજા ઓળઘોળ કરશે. આ સાથે જ મિની વાવાઝોડાની પણ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદ થઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 103 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પહેલા 99 ટકા હતી. નૈઋત્યના ચોમાસાએ જોર પકડ્યું છે. ત્યારે રાજ્યમાં ટુંક સમયમાં જ ચોમાસાનું આગમન થઈ શકે છે. ત્યારે આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ ગયા વર્ષ કરતા આ વર્ષે સારા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.