રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે સાથે હવે ભરતીય જનતા પાર્ટી દેશના ટોચના બંદરણીય પદ એવા રાષ્ટ્રપતિ પદ માટે કોને ઉમેદવાર બનાવશે તેના વિશે સૌ કોઈ વિચારી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે જો વિપક્ષ પોતાના ઉમેદવારોને ઉભા રાખે અને ચૂંટણી થાય તો ભાજપ પોતાના સાથી પક્ષના ટેકાથી સારી બહુમતી મેળવી શકે તેવું જણાઈ રહ્યું છે.
ચૂંટણી પંચ દ્વારા 18 જુલાઈને ચૂંટણીની તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. ત્યારે જો એક કરતા વધારે ઉમેદવાર સામે આવશે તો મતદાન કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્યાં ગઠબંધનનો ઉમેદવાર જીતશે તેના કરતા પણ વધારે રાજકીય ચર્ચા એ છે કે ભાજપ અને વિપક્ષ કોને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારે છે.
હાલ સોશિયલ મીડિયામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે નેતાઓ કરતા સેલિબ્રિટીઝના નામ વધારે ચર્ચામાં છે. જેમાં કેરળના ગવર્નર આરીફ મોહંમદ ખાનથી માંડીને અભિનેતા અમિતાભ બચ્ચનનો સમાવેશ થાય છે. ટ્વિટર પર કેટલાક લોકોએ બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને એક સમયે મૂળ ઓડિશાના રાજ્યમંત્રી અને ઝારખંડના પહેલા મહિલા રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ, છત્તીસગઢના રાજ્યપાલ અનુસૂઇયા ઉઇકેના નામ સૂચવ્યા છે.
કેટલાક લોકો રતન ટાટા અને કેટલાક તો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના નામ પણ આપી રહ્યા છે. જો કે રાષ્ટ્રપતિ પદ માટે ભાજપ કોને ઉમેદવારી આપશે તેની વાત કરવામાં આવે તો, લાંબા સમયથી અટકળો ચાલી રહી છે કે ભાજપ આ વખતે આદિવાસી સમાજની કોઈ વ્યક્તિ કે મહિલાને મેદાનમાં ઉતારી શકે છે.
આમ પણ ભાજપની ટોચની નેતાગીરી ઉમેદવારોની પસંદગીની બાબતમાં પરંપરાથી વિપરીત નિર્ણયો લેતી આવી છે. તેઓ કોવિંદને ફરીથી આ પદ પર મોકલી શકે છે. પરંતુ હકીકત એ છે કે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સિવાય કોઈ પણ રાષ્ટ્રપતિની બે ટર્મ રહી નથી. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે તેના વરિષ્ઠ નેતાઓ રાષ્ટ્રપતિ પદ માટે સર્વસંમતિ સાધવા માટે વિપક્ષ સહિત તમામ પક્ષોનો સંપર્ક કરશે.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સોમનાથ ભારતીએ વિશ્વસનીય સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે ખાન આ પદના પ્રબળ દાવેદારોમાંના એક છે. વિશ્વસનીય સૂત્રોએ ખુલાસો કર્યો છે કે કેરળના વર્તમાન રાજ્યપાલ જનાબ આરિફ મોહમ્મદ ખાન ભારતના રાષ્ટ્રપતિ પદના સૌથી પ્રબળ દાવેદાર છે.
તેમણે કહ્યું કે ભાજપના એક નેતાએ મુલાકાત દરમિયાન કહ્યું છે કે, ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં આવા નિર્ણયો લેવામાં આવે છે અને પછી તેમની જીત સુનિશ્ચિત કરવા માટે તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ રચાય છે. “સોશિયલ મીડિયા પર ઘણા નામોની ચર્ચા થઈ શકે છે, પરંતુ તે વિશે ભાજપમાં કોઈ ચર્ચા થઈ નથી. મોદીના નિર્ણયો ઘણીવાર ચોંકાવનારા હોય છે.”
ચૂંટણીની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ભારતમાં ટ્વિટર પર ટોપ 10માં આરિફ મોહમ્મદ ખાનનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ટ્વિટર યુઝર રિટાયર્ડ મેજર અમિત બંસલે એક ટ્વિટમાં કહ્યું, “વ્યક્તિગત રીતે, હું માનું છું કે રાષ્ટ્રપતિ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર આરિફ મોહમ્મદ ખાન છે. હું તેમના શહેરમાંથી આવું છું અને તેમને ઓળખું છું, તેથી હું તે દાવા સાથે કહી શકું છું કે ભારત તેમની નસોમાં દોડે છે. તેઓ એક સાચા દેશભક્ત છે જે દેશને નવી ઉંચાઈઓ પર લઈ જઈ શકે છે.”
કેટલાક ટ્વિટર યુઝર્સે તો ત્યાં સુધી લખ્યું કે ખાનને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક માસ્ટર સ્ટ્રોક હશે. આવા જ એક યુઝરે લખ્યું કે આનાથી ભાજપની મુસ્લિમ વિરોધી હોવાની છબી સુધરશે અને તાજેતરમાં જ ભાજપના કેટલાક નેતાઓએ પૈગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણીથી દુનિયાભરમાં નારાજગી ઘણી હદ સુધી ઓછી થશે.