દેશ ભરમાંથી કેટલીકવાર ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલ ઉત્તર પ્રદેશના બરેલીથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જ્યાં ઇન્સ્પેક્ટરે એક વીજકર્મીનું બાઇકનું ચલણ કાપતા વીજકર્મીએ પોલીસ સ્ટેશનનો વીજ પુરવઠો જ કાપી નાખ્યો હતો. ત્યારે વીજ અધિકારીઓએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
ખરેખર પોલીસ અધિકારી મોદી સિંહ વાહન ચેકિંગ ડ્રાઈવ પર ડ્યૂટી પર હતા. આ દરમિયાન રસ્તામાં આવી રહેલા વીજકર્મી ભગવાન સ્વરૂપની બાઈકને તેમણે રોકી લીધી હતી. ઉપરાંત તેમને જરૂરી કાગળો બતાવવા કહ્યું હતું. ત્યારે સ્વરૂપે કહ્યું કે તે કાગળો સાથે રાખતો નથી. પરંતુ ઘરે જઈને લાવી શકે છે. જેથી પોલીસ અધિકારીએ તેમની વાત માની નહી અને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો.
જો વાહન ચાલક પાસે જરૂરી કાગળ કે હેલ્મેટ વગેરે ન હોય તો પોલીસ ચેકીંગ દરમિયાન ચલણ કાપે છે. આવું જ ભગવાન સ્વરૂપ સાથે થયું. ગાડીના જરૂરી કાગળ તેમની પાસે હાજર ન હોવાથી પોલીસે તેમનું ચલણ કાપ્યું. જેથી આ ઘટના બાદ સ્વરૂપને ગુસ્સો આવ્યો. તેણે વીજળી વિભાગના તેના સાથીદારોને બોલાવ્યા અને પોલીસ સ્ટેશનનો વીજ પુરવઠો કાપી નાખ્યો.
તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક મીટર નથી. ગેરકાયદેસર રીતે વીજળીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જેના કારણે તેઓએ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ત્યારે બરેલીના હરદાસપુર પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાની જાણકારી પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે. બંને વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.