થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો કે પેટ્રોલ પંપ બંધ રહેશે. જેથી અમદાવાદના પેટ્રોલ પંપ પર અડધી રાત્રે પેટ્રોલ પુરાવવા માટે લોકોની લઓઈનો લાગી હતી. જો કે ત્યારબાદ આ મેસેજને ફેક મેસેજ ગણવવામાં આવ્યો હતો. ત્યારે આજે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ખૂટી ગયા હોવાના બોર્ડ લગાવાયા છે.
એક મીડિયા અહેવાલ અનુસાર આજે રાજકોટના રૈયા રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરું થઇ ગયું છે. ત્યારે પેટ્રોલ ડીઝલના અભાવે પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યો છે. આ અંગે એક મીડિયા સાથે વાત કરતા પેટ્રોલ પંપના માલિક કિરીટભાઈએ જણાવ્યું હતું કે સ્ટોકના અભાવને કારણે પટ્રોલપંપ બંધ છે. અમને રિફાઇનરી તરફથી સૂચના મળી છે કે ચૂંટણી સુધી આવું જ ચાલશે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન નાયરા પેટ્રોલ પંપના માલિકે જણાવ્યું કે મે એક મહિનાથી પેટ્રોલ ડીઝલનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ રિફાઇનરી દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવતો નથી. સ્ટોક હોવા છતાંપણ ડિલરને પેટ્રોલ ડીઝલ નથી આપતા. જેથી ડીલરોને મુશ્કેલી પડી રહે છે.
રાજકોટ અને સુરત સહીત રાજ્યમાં કેટલાક પેટ્રોલપંપ પર પેટ્રોલ ડીઝલ ખૂટી ગયું હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે. ત્યારે જો પેટ્રોલ ડીઝલની વધુ અછત સર્જાશે તો અર્થતંત્ર ભાંગી પડશે. જો કે આ મુદ્દે પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાએ જણાવ્યું છે કે અઠવાડિયા પહેલા થોડી તકલીફ હતી પરંતુ હવે પરિસ્થિતિ કાબુમાં છે.