સતત પાંચમા દિવસે ગુજરાતમાં મેઘમહેર, જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ થયો

Weather

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સતત પાંચ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજકોટના ઉપલેટા, આટકોટ અને ગોંડલ પંથકમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ત્યારે લોકોને અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં છેલ્લા પાંચ દિવસ મેઘરાજ મહેરબાન છે. રાજકોટના મેટોડામાં વીજળીના કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ દરમિયાન વીજળી પડતા નીરજ શ્યામ યાદવનું મોત નીપજ્યું હતું. જે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. રાજકોટના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં અનહદ ખુશીની લાગણી છવાઈ છે.

વરસાદને પગલે જસદણના બલધોઈ ગામની સરણ નદીમાં પ્રથમવાર પૂર આવ્યું છે. બલધોઈ ગામમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકો હતો. જેના પગલે પૂર આવ્યું હોય તેવી પરિસ્થતિ સરજાઈ હતી. રાજકોટમાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે જસદણના ઘણા ગામડાઓમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. જેના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.

ચોમાસાની શરૂઆત થતા જ મેઘરાજા કેટલાક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આટકોટના વીરનગર, જંગવડ, પાચવડા સહિતના વિસ્તારોમાં ગુરુવારે બપોરે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ કાલા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે ચારે કોર ઠંડક પ્રસરી જવા પામી હતી.

રાજકોટના બાલાજી હોલ, નાના મૌવા રોડ, લક્ષ્મીનગર અને મવડી વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો કેટલીક જગ્યાએ વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે. ઉપલેટામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેથી ગ્રામ્ય પંથકમાં અને ખેતરોમાં પાણી વહેતા થયા હતા.

ગોંડલમાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ગઈ કાલે બપોર બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવતા આકાશ કાલા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. આ સાથે જ ભરૂડી, ભુણાવા, અનિડા ભલોડિ, રિબ અને બાલિયાના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

રાજકોટમાં ધોધમાર વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. તો ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અત્યારથી જ મિટિંગ યોજીને પૂર જેવી સ્થિતિ સર્જાય તો બચાવ માટેની કામગીરી અંગે મિટિંગ યોજવામાં આવી છે. આ સાથે જ તરવૈયાઓની યાદી પણ બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.