વડાપ્રધાન મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિતે આશીર્વાદ લીધા હતા. નાનાભાઈ પંકજભાઈ સાથે માતા હીરાબા ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગ્લોઝ-2માં રહે છે. ત્યારે PM મોદી માતાના આશીર્વાદ લેવા માટે સવારે 6.30 કલાકે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો.
વડાપ્રધાન મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. મોદીએ માતા હીરાબાને શીરો ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ માતા હીરાબાના પગ ધોઈને ચરણ વંદના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા આજે 100 વર્ષના થઈ ગયા છે. ત્યારે વડનગરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
હીરાબાને પ્રધાનમંત્રી મોદીના માતા તરીકે તો સૌ કોઈ ઓળખે છે. પરંતુ હીરાબાની સંઘર્ષની કહાની વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. હીરાબા 6 મહિનાના હતા ત્યારે જ તેમણે પોતાની છત્રછાયા ગુમાવી હતી. નાનપણથી જ તેઓ સંઘર્ષ ભર્યું જીવન જીવ્યા છે. ઉપરાંત લગ્ન પછી પણ તેમના જીવનમાં સંઘર્ષ તો ચાલુ જ રહ્યા. તેમણે સતત ગરીબીમાં પોતાનું જીવન ગાળ્યું અને સખત મહેનત કરીને પોતાના 6 બાળકોને ઉછેર્યાં. જેમાના એક છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી.
હીરાબાના સંતાન પ્રહલાદભાઈ મોદીએ એક મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે સંઘર્ષ અને તડકા છાયાનું જીવંત ઉદાહરણ એટલે હીરાબા. પ્રહલાદભાઈ મીડિયા સાથે હીરાબાના સંઘર્ષની વાતો કરતા ભાવુક થઇ ગયા હતા. આજે હીરાબાનો જન્મદિવસ છે. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબા આજે 100 વર્ષના થઇ ગયા છે. ત્યારે સમગ્ર વડનગરમાં દિવાળી જેવું વાતાવરણ છે.
વડનગર સાથે હિરાબાની ઘણી બધી યાદો જોડાયેલી છે. વડનગરમાં સતત ગરીબીમાં તેમણે પોતાના 6 સંતાનોનો ઉછેર કર્યો હતો. તેઓ વડનગરમાં જે ઘરમાં રહેતા હતા તે ઘર આજે પણ એ જ સ્થિતિમાં છે. આ ઘર રહેવા લાયક તો નથી પરંતુ હીરાબાના સંતાનોએ આ ઘરને એક યાદી તરીકે રાખ્યું છે. હીરાબા ખૂબ સંઘર્ષભર્યું જીવન જીવ્યા છે. વડનગર વાસીઓ આજે પણ એવું કહી રહ્યા છે કે હીરાબા ખૂબ જ દયાળુ અને શાંત સ્વભાવના છે.
પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબા સો વર્ષના થયા છે. ત્યારે હીરાબાનો જન્મદિવસ ઉજવવા વડનગર થનગની રહ્યુ છે. આ સાથે જ સૌ કોઈ હીરાબાના લાંબા આયુષ્ય અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. હીરાબાના સો વર્ષ પૂર્ણ થતા વડનગરમાં ઉમંગનો માહોલ છવાયો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના જન્મદિવસે માતા સાથે મળીને સૌપ્રથમ તેમની ચરણ વંદના કરી અને અડધો કલાક બેસીને વાતચીત કરી હતી.