વાતાવરણમાં પલટો આવતાં વરસાદના મંડાણ શરૂ, તમારા વિસ્તારમાં વરસાદ વરસ્યો કે નહી?

Weather

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. જો ચોમાસાના આગમન બાદ ત્રણ ચાર દિવસ બ્રેક લાગી ગયો હતો. પરંતુ હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શનિવારે વાતાવરણ અચાનકથી પલટો આવતાં વહેલી સવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાના મંડાણ શરૂ થયા છે.

રાજ્યના 61 તાલુકામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજ વિસ્તારમાં વરસ્યો છે. કામરેજ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. તો શનિવારે સવારે સુરતના વરાછા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. જેથી રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા.

ઉલ્લેખનીય છે કે વલસાડના કપરાડા, વડોદરાના કરજણ, સુરતના પલસાણામાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે બોટાદ, લીંબડી લિલિયા વડિયા, તારાપુર તાલુકામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો બારોડલી, મહુવા, સુરેન્દ્રનગરના વઢવાણ, નવસારી, વલસાડમાં પણ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં મેઘરાજા મહેરબાન છે. અમરેલીના કેટલાક ગામડાઓમાં તો વાવણી લાયક વરસાદ પણ થઈ ચૂક્યો છે. જો કે કેટલીક જગ્યાએ તો વરસાદ થતાં ખેડૂતોને કપાસ મગફળીનું વાવેતર કરી દીધું છે. જે બાદ વરસાદ ન વરસતાં નુકસાન થાય તેવી ભિતી છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ વાવણી થઇ નથી. ત્યારે 20 તારીખથી વરસાદનો લાંબો રાઉન્ડ આવતા બાકી રહેલા વિસ્તારોમાં વાવણી થઇ જશે.

નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે. જેને પગલે આજે સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. તો એક મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આગાહી કરી છે રવિવાર સુધી અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો આ સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

નોંધનીય છે કે ગત મોડી રાત્રે વલસાડના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા પાણી વહેતા થયા હતા. તો શનિવારે સવારે સુરત અને કામરેજમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ થયો છે. જેથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. સૌરાષ્ટ્રના અમરેલીના કુકાવાવમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતો ખુશ થયા છે. રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્યારે અન્ય વિસ્તારોમાં ટુંક જ સમયમાં વરસાદના મંડાણ શરૂ થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.