હેપ્પી ફાધર્સ ડે, આજે ફાધર્સ ડે ના રોજ વૃદ્ધ બાપ અને યુવાન દીકરાની આ કહાની જાણીને તમારું હૈયું પણ ભરાઈ જશે

Story

એક વૃદ્ધ તેના દીકરા સાથે શહેરમાં રહેતા હતા. વૃદ્ધ રામજીદાદાના પત્ની સવિતાબાનું મૃત્યુ થઇ ગયું હતું. જ્યારે દીકરાના હજુ લગ્ન નહોતા થયા. તેથી બંને એકલા રહે અને મસ્ત જમવાનું બનાવીને સાથે જમે. રવિવારનો દિવસ હતો એટલે દીકરો મુકેશ ઘરે હતો. તેણે વિચાર્યું કે પપ્પાને આજે રેસ્ટોરન્ટમાં લઇ જાવ.

બાપ દીકરો બંને રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. મુકેશે મસ્ત જમવાનું મંગાવ્યું. બંને સાથે બેસીને જમી રહ્યા હતા. રવિવારની રજા હોવાથી રેસ્ટોરન્ટના દરેક ટેબલ ફૂલ હતા. આ બાપ દીકરો બને સાત નંબરના ટેબલ પર બેસીને જમી રહ્યા હતા. પરંતુ વૃદ્ધ દાદાનો હાથ ધ્રૂજવાથી જમતા જમતા ટેબલ પર અને દાદાના કપડાં પર શાકના છાંટા ઉડી રહ્યા હતા.

ટેબલ આખું ખરાબ થયું અને સાથ સાથે દાદાના કપડાં પણ ગંદા થઇ ગયા હતા. જેથી આસપાસના લોકો મોઢું બગાડી રહ્યા હતા. પરંતુ દાદાનો દીકરો મુકેશ દાદાની સામે જોઈને મીઠું સ્મિત આપી રહ્યો હતો. આ આખી ઘટના સામેના ટેબલ પર બેસેલા એક વૃદ્ધ દાદા જોઈ રહ્યા હતા.

બાપ દીકરાએ મસ્ત જમી લીધું. પરંતુ રામજીદાદાના કપડાં હાથ બધું ગંદુ થઇ ગયું હતું. એટલે દીકરો તેમને વોશરૂમમાં લઇ ગયો અને બધું મસ્ત સાફ કરી આપ્યું. ત્યારબાદ બંને બાપ દીકરો ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પેલા સામેના ટેબલ પર જે દાદા બેઠા હતા તેણે મુકેશને ઉભો રાખ્યો અને કહ્યું, ”બેટા તું અહીં ઉપસ્થિત તમામ બાપ દીકરા માટે કંઈક મૂકીને જાય છે.”

દાદાની વાત સાંભળીને યુવાને કહ્યું, ”હું મારી સાથે જે કઈ પણ લઈને આવ્યો હતો તે સાથે લઈને જ જાવ છું, કઈ મૂકીને નથી જતો.” ત્યારે એ વૃદ્ધ દાદાએ હળવા સ્મિત સાથે કહ્યું, ”બેટા તું આજે દરેક દીકરા માટે એક ‘પ્રેરણા’ અને દરેક વૃદ્ધ માટે એક ‘આશા’ મૂકીને જાય છે.”

ખરેખર આ કહાની ઘણું બધું સમજાવી જાય છે. ઉંમર થઇ જતા શરીર કામ ન આપે ત્યારે ઘરડા માં બાપને સહારાની જરૂર હોય છે. ત્યારે જો સંતાન માતા પિતાની સેવા કરે તો દરેક દુઃખ દૂર થઇ જાય છે. માં બાપ બાળકો નાના હોય ત્યારે બાળોતિયાં સાફ કરે છે. તો સંતાનોની પણ જવાબદારી છે કે ઘરડા માં બાપનો વૃદ્ધાવસ્થામાં સહારો બનીને રહે.

હેપ્પી ફાધર્સ ડે..

Leave a Reply

Your email address will not be published.