ગુજરાત તરફ આગળ વધી રહી છે મેઘરાજાની સવારી, હવામાન વિભાગે રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી

Weather

રાજ્યભરમાં વરસાદની રાહ જોવાઇ રહી છે. કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હજુ ભારે વરસાદ વરસ્યો નથી. જો કે હવે અટકેલું ચોમાસુ આગળ વધ્યું છે. એટલે હવે મેઘરાજા રમઝટ બોલાવશે. ત્યારે હવામાન વિભાગે પણ વરસાદને લઇને મહત્વની આગાહી કરી છે. એક મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગે રાજ્યના 14 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાશે. આ સાથે જ 22 તારીખથી રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવશે.જેથી મેઘરાજા ઓળઘોળ કરશે. તો બીજી તરફ હવામાન નિષ્ણાતે ચોમાસાની આગાહી કરતા જણાવ્યું છે કે 26 કે 27 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. હાલ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે. જેના કારણે 26 કે 27 જૂનથી રાજ્યમાં સારો વરસાદ પડશે. જ્યારે 30 જૂન સુધીમાં રાજ્યનાં 95 ટકા વિસ્તારોમાં વરસાદ વરસી જશે

હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ સૌરાષ્ટ્રના ગીરના દરિયા કાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડયા છે. તો સોમવારે વહેલી સવારથી નવસારી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. નવસારીના ગણદેવી, ચીખલી તાલુકામાં વરસાદ પડ્યો છે. જેથી લોકોને ગરમીથી રાહત મળી છે.

સુરત જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે. ત્યારે સોમવારે સવારે સુરતના વરાછા પંથકમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. જે બાદ મેઘરાજાની પધરામણી થઇ હતી. જેથી રોડ પર પાણી વહેતા થયા હતા. તો સુરતના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ હળવા છાંટા પડ્યા છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદી ઝાપટાં પડયા છે.

એક મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરતમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે.

Leave a Reply

Your email address will not be published.