આખરે ગુજરાતમા સક્રિય થયું ચોમાસુ, આગામી બે દિવસ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Weather

રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. પરંતુ ગરમીનું પ્રમાણ હજુ યથાવત છે. ત્યારે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તેવું એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અટકેલું ચોમાસુ સક્રિય થયું છે. ત્યારે ચોમાસુ આગામી બે દિવસમાં આગળ વધીને દક્ષિણ ગુજરાતના વિસ્તારને કવર કરી લેશે. જેને પગલે અહીં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

એક મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે જણાવ્યું છે કે 23 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો 22 જૂનના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા સેવાઇ રહી છે. જ્યારે આ દરમિયાન કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 21, 22 અને 23 જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમા ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દીવ અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતા છે.

જ્યારે ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, વડોદરા અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મોરબી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ વરસાદની શક્યતા નહીવત છે. જો કે ટૂંક સમયમાં આ વિસ્તારોમાં પણ ચોમાસું પહોંચી જશે.

એક મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવાની સાનુકૂળ સ્થિતિ બની રહી છે. જે મધ્યપ્રદેશ અને વિદર્ભના કેટલાક ભાગો આંધ્રપ્રદેશ, બંગાળ, છત્તીસગઢ અને ઓડીશા તથા ઉત્તર પ્રદેશમાં આગળ વધશે. જેને પગલે બંગાળની ખાડીમાં ભારે પવન ફુંકાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેના પગલે મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એલર્ટની સ્થિતિ છે. અહીં દરિયામાં કરંટ જોવા મળી શકે છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા અંગે સૂચના આપવામાં આવી છે.

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ હવે ટૂંક સમયમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારો સાવ કોરેકોરા છે. ત્યારે હવે ટૂંક સમયમાં મેઘરાજા ગુજરાત પર મહેરબાન થશે.

Leave a Reply

Your email address will not be published.