ગત રોજ બુધવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં અમદાવાદમાં અચાનક જ લોકડાઉન જેવી સ્થતિ થઇ ગઈ હતી. અમદાવાદ પોલીસ દ્વારા બ્રિજ અને રસ્તાઓ રોકી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા એક એક વાહનોનું ચેકીંગ અને પુછપરછ હાથ ધરવામાં આવી હતી. અચાનકથી જ પોલીસ દ્વારા આ રીતે લોકડાઉન જેવી સ્થિતિ લાદી દેવાતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા.
એક મીડિયા અહેવાલ અનુસાર ગત રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ પોલીસને કંટ્રોલ રૂમમાંથી જાણ કરવામાં આવી કે, ચાર શકમંદ લોકો સિલ્વર કલરની કારમાં બેસીને ભાગ્યા છે. કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પર બેરીગેટ ગોઠવી દેવાયા હતા.
પોલીસ દ્વારા રસ્તાઓ અને બ્રિજ લોક કરી દેવાયા હતા અને એક એક વાહનની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત પોલીસને કોઈ શકમંદ વ્યક્તિ જણાય તો તેને પણ ઉભો રાખીને પુછપરછ કરવામાં આવી રહી હતી. લગભગ એક કલાક સુધી આવી અચંભાભરી સ્થિતિ ચાલી હતી. બાદમાં આખરે પોલીસે તે સિલ્વર કલરની કાર અને ચાર વ્યક્તિઓને પકડી લીધા હતા.
આપને જણાવી દઈએ કે આ સિલ્વર કલરની કારમાં પોલીસ કર્મીઓ જ હતા. વાસ્તવમાં આગામી એક જુલાઈના રોજ જગ્ગનાથ યાત્રા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસેની તૈયારીઓ કેવી છે તે જાણવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જ આ સમગ્ર સ્થિતિ ઉભી કરવામાં આવી હતી.
આ અંગે અમદાવાદ સંયુક્ત પોલીસ કમિશ્નર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતુ કે, આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા લગભગ એક કલાક સુધી ચાલી હતી. કોઈપણ પરિસ્થિતિમાં પોલીસને એલર્ટ કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યા બાદ પોલીસ કેટલી ઝડપી બને છે તે જાણવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે.