કાળાડિબાંગ વાદળો સાથે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી સાંબેલાધાર વરસાદ, સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર

Weather

રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા છવાયા છે. તો આ સાથે જ મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશીની લહેર છવાઈ છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. જેથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

નોંધનીય છે કે અમરેલીના ખાંભા શહેરમાં ભારે વરસાદ ખાબક્યો છે. ખંભાના મોટા ભાગના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ખાંભામાં ધાતરવાડી નદીમાં પૂર આવ્યું છે. તો નાનુડી, ભાવરડી, તાતણીયા, ખાંડધાર, બોરાળા, ઉમારીયા ભાડ અને વાડિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગરના મહુવા પંથકમાં ચાર દિવસ બાદ મેઘરાજાનું આગમન થયું છે. કણકોટ, ઊંચાકોટડા, ઓઠા, ખારી, દયાળ અને બગદાણામાં વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં શરૂઆતના દિવસોમાં વરસાદની ગતિ ધીમી હતી. ત્યારે હવે વરસાદે જોર પકડ્યું છે. જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતો ખુશ થયા છે. ત્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.