ગુજરાતમાં હવે જામ્યો ચોમાસાનો માહોલ, આગામી બે દિવસ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Weather

ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો આકાશમાં કાળાડિબાંગ વાદળ છવાયા છે. આ સાથે જ કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચોમાસાની શરૂઆત બાદ વરસાદની ધીમી ગતિ હતી. ત્યારે હવે ચોમાસુ જામ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ વાતાવરણ પણ બદલાયું છે. તો સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે કેટલીક જગ્યાએ હજુ પણ ઉકળાટ યથાવત છે. જેથી વરસાદની રાહ જોવાઈ રહી છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો, મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.

જો કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જણાવી દઇએ કે આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે. તો સાથે સાથે ભાવનગરના દરિયામાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

અગત્યનું છે કે ગત 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ખાંભામાં મેઘરાજા મન મૂકીને વરસાયા છે જેથી ધાતરવાડી નદી બે કાંઠે વહેતી થઇ છે. તો સાવરકુંડલામાં 2 ઈંચ અને ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published.