પાંચ દિવસમાં બીજીવાર ચક્રવાત ત્રાટકતા લોકોના જીવ અધ્ધર ચડ્યા, અહીં જોવા મળ્યા ભયજનક દ્રશ્યો

Gujarat

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં જાણે આકાશી ચક્રવાતનો દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં પાંચ દિવસમાં બીજીવાર ચક્રવાત ત્રાટકતા લોકોના જીવ અધ્ધર ચડી ગયા છે. પાંચ દિવસ પહેલા સુરેન્દ્રનગરના લખતરમાં ભયાવહ ચક્રવાત દેખાયું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો.

આ વચ્ચે બીજીવાર સુરેન્દ્રનગરમાં આવા ભયાવહ દ્રશ્યો દેખાતા લોકો ચિંતિત થયા છે. લખતર બાદ હવે પાટડીના ગોરીયાવડમાં આકાશી ચક્રવાતના બવંડરનો લાઇવ વીડિયો કેમેરામાં કેદ થયો છે. લખતર બાદ પાટડી પંથકમાં પણ આકાશી તોફાને લોકોના શ્વાસ અધ્ધર કર્યા હતા. જ્યારે પવનના સૂસવાટા અને આ આકાશી ચક્રવાતે ઝાલાવાડ પંથક અને હળવદ પથંકને ઘમરોળ્યું હતુ અને ભારે વિનાશ વેર્યો હતો.

ચક્રવાતના આ દ્રશ્યો જોઈને લોકો કહી રહ્યા છે કે અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળતા સાયક્લોન જેવું છે. આ વંટોળિયા જેવું દેખાતું દ્રશ્ય લોકો માટે ડરાવનું બની ગયું છે. આકાશી તોફાનને કારણે હળવદમાં રવિવારે મોડી સાંજે મીની વાવાઝોડા જેવો તેજ પવન ફૂંકાતા તબેલાનો શેડ પડી જતાં પાંચ ભેંસો દટાઈ હતી અને ગાયો ઉપર શેડ પડતા નાનીમોટી ઇજા થઇ હતી.

ચક્રવાત આકાશમાંથી મંડરાતું નીચે ઉતરતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. તો આ વંટોળે અનેક જગ્યાએ તબાહી મચાવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તોફાની પવન ફૂંકાતા હળવદમાં આવેલ રાતકડી હનુમાનજી મંદિર પાસે આવેલા તબેલાનો આખો શેડ ઉડી ગયો હતો. આ શેડ નીચે પાંચેક ભેંસો દટાઈ ગઈ હતી જેને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં આકાશી તોફાન કહેર મચાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ બંને તોફાનના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. પાંચ દિવસ અગાઉ પણ ભયાવહ ચક્રવાત જોવા મળ્યું હતું. જેને લઈ લોકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના લખતર પંથકમાં આકાશી ચક્રવાત ત્રાટક્યું હતું. ત્યારે બીજીવાર ચક્રવાત દેખાતા લોકો ડરી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.