હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. ચોમાસામાં કેટલીકવાર કરંટ લાગવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાંચ વર્ષની બાળકી મોતને માત દઈને આવી. આ કિસ્સો મહીસાગર જિલ્લાના સંતરામપુરમાંથી સામે આવ્યો છે. જેમાં રાણાવાસ વિસ્તારમાં 5 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો.
બાળકી રમી રહી હતી આ દરમિયાન તે બાજુના વીજપોલ સાથે ચોંટી ગઈ હતી. આ માસૂમ બાળકી મોતને માત દઈને પાછી આવી. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગઈ હતી. જેમાં જોઈ શકાયય છે કે વીજ પોલ સાથે ચોંટી ગયેલી બાળકીને પરિવારજનો અને સ્થાનિક લોકો લાકડી વડે છૂટી પાડવાની કોશિશ કરી રહ્યા છે.
5 વર્ષની બાળકી ધ્રિતી સંજયકુમાર રાણા સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારમાં રહે છે. જે પોતાના ઘર આંગણે રમી રહી હતી. આ દરમિયાન તેને કરંટ લાગ્યો હતો. બાળકી વીજ પોલ સાથે ચોંટી જતા બુમાબુમ કરવા લાગી હતી. જેથી આજુબાજુના રહીશો દોડી આવ્યા અને લાકડાના ડંડા વડે તેને થાંભલાથી અલગ કરવાની કોશિશ કરવા લાગ્યા.
સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે લોકોએ લાકડાના ડંડા લઇ બાળકીને મહામહેનતે થાંભલાથી દૂર કરી. બાળકી પોતાના ઘરે રમી રહી હતી. ત્યારે વરસાદ ચાલુ થતાં જ થાંભલા ઉપરથી કરંટ ઊતરવાની ઘટના બની હતી. આ સમયે કરંટ આવતા જ તે થાંભલા સાથે ખેંચાઈ ગઈ હતી અને થાંભલા સાથે ચોંટી ગઈ હતી.
પરિવારજનો અને આસપાસના લોકોએ મહામહેનતે બાળકીને થાંભલાથી દૂર કરી. ઘટનાને લઈને બાળકીને તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે હાલમાં તેની તબિયત સારી છે. પરંતુ થાંભલામાંથી વીજ કરંટ ઉતરતા ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં MGVCL સામે રોષ જોવા મળી રહ્યો છે.