અષાઢી સાંજના અંબર ગાજે, રથયાત્રમાં અમી છાંટણા થશે કે નહીં ફટાફટ જાણી લ્યો

Weather

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં હાલ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

આગાહી અનુસાર રાજ્યમાં 30 જૂનથી 3 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે. જેમાં વલસાડ, નવસારી અને સુરતમાં જળબમ્બાકાર થઇ શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 1 જુલાઈએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હળવો પવન ફૂંકાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી છે. તો બીજી તરફ આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. સામાન્ય રીતે જગન્નાથજી નગર ચર્ચાએ નીકળે ત્યારે અમી છાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ જગન્નાથજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળે ત્યારે અમી છાંટણા થશે. પરંતુ ભારે વરસાદનું વિઘ્ન સર્જાશે નહીં.

રથયાત્રામાં મેઘરાજાનું આગમન થતા યાત્રાની રોનકમાં વધારો થશે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરી છે. તો અષાઢી બીજે વલસાડ, નવસારી અને સુરતમાં મેઘ ગડગડાટ સાથે વરસાદ થશે. તો આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે વહેલી સવારે સુરતના વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જે બાદ અચાનકથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેથી વરાછા સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા હતા. દક્ષિણ ગુજરાત બાદ હવે 1 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં પણ મુશળધાર વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.