ગુજરાતમાં મેઘો અનરાધાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા

Weather

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક વિસ્તારોમા મેઘરાજાએ ધબડાટી બોલાવી છે. તો સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત્ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસતા ઉધનામાં 8 અને વરાછામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન તરબતર થઈ ગયું છે.

સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવફ્લો થવાના આરે છે. હજુ વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયજનક સપાટી વટાવી શકે છે, જેને પગલે પાલિકાતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. લોકોએ વરસાદથી બચવા માટે ઓવરબ્રિજ નીચે સહારો લીધો હતો.

ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલો ભારે વરસાદ આજે શનિવારે પણ બપોર સુધી ચાલુ રહેતાં શહેરમાં અનેક રોડ ઉપર પાણી ભરાઇ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તો ભારે વરસાદને પગલે મીઠીખાડી અને સીમાડાખાડી ભયજનક સપાટી નજીક પહોંચી જતાં પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં અષાઢી બીજના દિવસે ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેથી બીજનું શુકન પણ સચવાયું છે. તો સતત બીજા દિવસે જૂનાગઢમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. જેમાં માણાવદરમાં ત્રણેક કલાકમાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચ અને જૂનાગઢ શહેર-પંથકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે શહેરની બજારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગતાં વાહનચાલકો અને રાહદારી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. માણાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસેલા વરસાદના પગલે નદી- નાળાઓમાં નવા નીર વહેતા જોવા મળતા હતા.

Leave a Reply

Your email address will not be published.