હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, ગુજરાતમાં ભારે વરસાદને કારણે આ જિલ્લામાં એલર્ટ અપાયું

Weather

ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તો બીજી તરફ આણંદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે કેટલાક મકાન અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. તો સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓમાં સાંબેલાધાર વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે.

ગુજરાતમાં ચોમાસુ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ થઈ ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને પણ મેઘરાજાએ તરબતોળ કર્યા છે. ત્યારે એક મીડિયા અહેવાલ અનુસાર આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગે જણાવ્યું છે કે 5 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના જે વિસ્તારો કોરાનકોર છે ત્યાં પણ હળવા વરસાદની શક્યતા છે.

મહત્વનું છે કે આગામી 5 જુલાઈના રોજ રાજ્યના ઘણા ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો બીજી તરફ આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને ડાંગ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. ત્યારે હાલ હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં 5 જુલાઈના રોજ સારો વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો આ સાથે જ 5 જુલાઈના રોજ વરસાદને લઇને આ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ પ્રમાણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પ્હોંચી ગયું છે. તો બીજી તરફ વરસાદની ઘટ વર્તાઈ છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ જે વરસાદ થવો જોઇએ તે નથી થયો. સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. ગુજરાતમાં જૂન માસમા સરેરાશ 120% વરસાદ થાય છે. ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 80% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં હજુ 37% વરસાદની ઘટ છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે સામાન્ય રીતે ગુજરાતમાં જૂન કરતા જુલાઈ મહિનામાં વધારે વરસાદ થાય છે. ત્યારે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહથી જ સારા વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે જૂન મહિનામાં વરસાદની જે ઘટ રહી ગઈ છે તે જુલાઈ માસમાં પુરી થાય તેવી પ્રબળ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.