અષાઢી બીજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી થઈ છે. અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથ તેની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથયાત્રામાં નીકળ્યા ત્યારથી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં 10 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
રાજકોટ જિલ્લાના લોધિકા, પડધરી, સરધાર અને ગોંડલ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે રાજકોટના ગ્રામ્ય પંથકમાં બે દુર્ઘટના પણ સર્જાઈ હતી. જેમાં બે બાળકોના મોત નીપજ્યા છે.
જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટના ગ્રામ્ય પંથકમાં બે ભાઈના પાણીમાં નહાવા જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બંને ભાઈ વરસાદના પાણીમાં નહાવા ગયા હતા અને ડૂબી જતા મોતને ભેટ્યા હતા. બંને ભાઈ મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને તેમના માતા પિતા બાંધકામ સાઈટ પર કડિયા કામ કરવા ગયા હતા. તે દરમિયાન ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં બંને ભાઈ નહાવા પડ્યા. જેમાં ડૂબી જવાથી બંને ભાઈઓના મોત નીપજ્યા.
બાળકો સાંજ સુધી ઘરે પરત ન ફરતાં માતા પિતાએ તેમની શોધ ખોળ શરૂ કરી અને શાપર વેરાવળ પોલીસને જાણ કરી. પોલીસને શોધકડ દરમિયાન પાણી ભરેલા ખાડામાંથી બે બાળકોના મૃતદેહ મળ્યા. આ ઘટનામાં પાંચ વર્ષના અર્જુન અને નવ વર્ષના અશ્વિનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
અન્ય એક બનાવમાં રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના સાત જેટલા મજૂરોનો ચમત્કારિક બચાવ થયો હતો. ધોધમાર વરસાદના કારણે અહીંની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને જેમાં આ મજૂરોની કાર ફસાઈ ગઈ હતી. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ગામના તરવૈયાઓએ જીવને જોખમમાં મૂકીને સાત લોકોને દોરડા વડે પાણીમાંથી બહાર કાઢ્યા હતા.