હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે લોકોને એલર્ટ રહેવા કહ્યું છે. હવામાન વિભાગે જે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમાં દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. જેથી આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ચોમાસુ ઘમરોળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો આ સાથે જ જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા પણ જુલાઈ મહિનામાં રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ થશે તેવી આગાહી કરાઈ છે.
હવામાન નિષ્ણાંત દ્વારા અગાઉ જણાવવામાં આવ્યુ હતુ કે જુલાઈ મહિનાની શરૂઆતમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાશે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી 10 જુલાઈ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આગામી બે દિવસ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, વાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.
હવામાન નિષ્ણાંતે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય ઉપર જે સિસ્ટમ સક્રિય થઇ છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. ખાસ કરીને 6 થી 10 જુલાઈ દરમિયાન રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતથી લઈને કેરળ સુધી એક ટ્રફ બની રહ્યો છે. જેના કારણે મહારાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો ઉપર અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો પર અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જસૌરાષ્ટ્રમાં પણ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. તો જુલાઈ માસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે. ખાસ કરીને 13 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.