શિખર સુધી પહોંચવું સહેલું નથી. સફળતા માટે વ્યક્તિએ સખત સંઘર્ષ કરવો પડે છે અને ઘણા બલિદાન આપવા પડે છે. ત્યારે આજે અમે તમને એક એવા આઈએએસ અધિકારી વિશે જણાવીશું. જેમણે ખુબ સંઘર્ષ કરીને દેશની સૌથી કઠિન પરીક્ષા યુપીએસસી પાસ કરી છે. તેમની કહાની સૌને પ્રભાવિત કરનારી છે.
રાજસ્થાનના ભવિષ્ય દેસાઈએ UPSCમાં 29મો રેન્ક મેળવ્યો છે. અહીં સુધી પહોંચવા માટે તેમણે ઘણા સંઘર્ષ અને બલિદાન આપ્યા છે. સિવિલ સર્વિસમાં આવવા માટે તેમણે સ્ટોક માર્કેટિંગ કંપનીનું 55 લાખનું પેકેજ ઠુકરાવી દીધું. આ માટે તેમણે મોબાઈલ પણ મૂકી દીધો અને અભ્યાસ પર ફોકસ કર્યું.
અજમેરના મોહિની વિહારમાં રહેતા ભવિષ્ય દેસાઈએ પ્રથમ વખત UPSC પરીક્ષા પાસ કરી અને 29મો રેન્ક મેળવ્યો. તેમણે અજમેરની સેન્ટ એન્સેલ્મ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. અહીંથી તેમણે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી એજ્યુકેશન સિટી કોટામાં રહેવા ગયા. ત્યાં તેમણે શિવ જ્યોતિ સ્કૂલમાંથી ધોરણ 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો.
ભવિષ્યએ IIT કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યું. ત્યારબાદ જુલાઈ 2020 માં ગુડગાંવની QUADEYE સ્ટોક માર્કેટિંગ કંપનીમાં ઇન્ટર્નશિપ કરી હતી. કંપનીએ તેમને 55 લાખના પેકેજની ઓફર કરી હતી. પરંતુ ભવિષ્યએ લાખોના પેકેજને નકારી કાઢ્યું હતું અને સિવિલ સર્વિસની તૈયારી કરવાનું નક્કી કરી લીધું.
તેમના પિતા ગોપારામ દેસાઈ અજમેરની એમડીએસ યુનિવર્સિટીમાં સહાયક તરીકે કાર્યરત છે. જયારે માતા લલિતા દેસાઈ સરકારી શાળામાં શિક્ષિકા છે. તો બહેન હિમાક્ષી દેસાઈ એમબીબીએસ ડોક્ટરનો અભ્યાસ કરે છે. ભવિષ્ય કહે છે કે તેને આ સફળતા પરિવારના સપોર્ટથી જ મળી છે. તેમના આશીર્વાદ અને સહકારથી તેમને સફળતા મળી.
ભવિષ્યને બાળપણથી જ પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. જેનો લાભ તેમને યુપીએસસીની પરીક્ષામાં થયો. તેમણે યુપીએસસીના અભ્યાસ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું. શું વાંચવું તે નક્કી કર્યું. તેમણે ઓલ ઈન્ડિયા 29મો રેન્ક મેળવ્યો હતો. ખાસ વાત એ છે કે તેમણે કોચિંગ ક્લાસમાં જોડાયા વિના ઘરે રહીને યુપીએસસીનો અભ્યાસ કર્યો અને પોતાની સમજણથી આટલી મોટી સફળતા મેળવી.