બનાસકાંઠાના ડીસામાં એલિવેટેડ બ્રીજના કામમાં સર્જાયેલી ભૂલનો ખુલાસો થયો હતો. આ બ્રિજને 196 કરોડ ખર્ચીને તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ વરસાદના પહેલા જ રાઉન્ડમાં આ એલિવેટેડ બ્રિજ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયો છે. ડીસામાં પડેલા પાંચ ઇંચ વરસાદના કારણે આ બ્રિજ ઉપર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા.
ડીસામાં પહેલા જ સારા વરસાદમાં આ બ્રિજ સ્વિમિંગ પૂલ બની જતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. બ્રિજ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. થોડા જ સમય પહેલા 196 કરોડની રકમ ખર્ચીને બનાવેલો આ બ્રિજ સ્વિમિંગ પૂલ બની જતા તે દેશભરમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.
પહેલા જ વરસાદમાં નવા નકોર બ્રિજ ઉપર પાણી ભરાઈ જતા લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. જોકે બ્રિજ સ્વિમિંગ પૂલ બની ગયો તેની પાછળ વહીવટી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. બ્રિજના નિર્માણમાં 196 કરોડની મોટી રકમ ખર્ચી નાખવામાં આવી. પરંતુ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર બંનેએ એક મોટી ભૂલ કરી દીધી.
4:30 કિલોમીટર લાંબા બ્રિજ પર બંને સાઈડ ઉપર 5-5 મીટરના અંતરે બ્રિજ પરથી વરસાદી પાણી નીચે ઉતરે તે માટે હોલ બનાવી તેના ઉપર જાળી રાખવામાં આવી હતી. પરંતુ ચોમાસુ આવે તે પહેલા અહીં યોગ્ય સાફ-સફાઈ ન થતા બ્રિજ પરના તમામ હોલ પુરાઈ ગયા હતા. જેના કારણે બ્રિજ ઉપરનું પાણી નીચે જઈ શકે તેવી સ્થિતિ ન હતી અને બ્રિજ ઉપર કમર સુધી પાણી ભરાઈ ગયા હતા.
આ સ્થિતિમાં ડીસામાં જો પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હોત તો બ્રિજ ઉપરથી પાણી વહેતું થઈ ગયું હોત. આ સિવાય આવી ગંભીર બેદરકારી ના કારણે બ્રિજ તૂટીને પડે તેવી શક્યતાઓ પણ વધી જાય છે. તેવામાં હવે લોકો માંગ કરી રહ્યા છે કે બ્રિજની સાફ-સફાઈ બરાબર કરવામાં આવે અને સમતલ જગ્યાએથી ઢાળ ઉતારવામાં આવે.