હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આપી અગત્યની માહિતી, આ તારીખથી રાજ્યમાં શરૂ થશે સાર્વત્રિક વરસાદ

Weather

ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં અષાઢી માહોલ જામ્યો છે. ચોમાસાએ રમઝટ બોલાવી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં ચોમાસુ જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આઠ જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પ્રબળ શક્યતા છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેસર બન્યું હોવાથી તેની અસર ગુજરાત પર જોવા મળશે. આ લૉ પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. જેથી વરસાદનો વરતારો છે.

દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ રમઝટ બોલાવી છે. જો કેમ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વર્ષે છે. ત્યારે આગામી 8 જુલાઈએ ભારે વરસાદની શક્યતા છે. જો કે અમદાવાદમાં હજુ વરસાદની ઘટ છે. ઉપરાંત અમદાવાદમાં ભારે વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, “આગામી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના એકાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ સાથે મનોરમા મોહંતિએ વધુમાં જણાવ્યું હતું કે, “હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. જો કે ગુજરાત પહોંચવા સુધી આ સિસ્ટમ નબળી પડી જશે. પરંતુ ત્યાં સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી જશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે.”

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગત 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ 61 મિમિ નવસારીમાં નોંધાયો છે. તો મહેસાણામાં 60 મિમિ અને સાબરકાંઠાના વડલીમાં 45 મિમિ વરસાદ નોંધાયો છે. તો આ સાથે જ અત્યાર સુધીમાં સુરતના માંડવીમાં 39 મિમિ વરસાદ થયો છે.

નોંધનીય છે કે ગત રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જે દરમિયાન રાજ્યના 31 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 125.14 મિમિ વરસાદ પડ્યો છે. એટલે કે 14.72 વરસાદ નોંદયો છે. તો આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધશે.

Leave a Reply

Your email address will not be published.