અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ, ચિંતા કરવાની જરૂર નથી આ તારીખથી થશે સાર્વત્રિક વરસાદ

Weather

ગુજરાતના અનેક જિલ્લાઓમાં જુલાઈ માસની શરૂઆતથી જ મેઘમહેર શરૂ થઇ છે. ત્યારે કેટલાક વિસ્તાર એવા પણ છે જ્યાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. માત્ર વરસાદી ઝાપટા પડ્યા છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તો લોકો હવે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે મીડિયા અહેવાલ અનુસાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે રાહતની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની ઘટ છે. આ દરમિયાન અંબાલાલ પટેલે 6 જુલાઈએ અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. એક સપ્તાહમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા છે. હાલ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પગલે આગામી 10 થી 15 જુલાઈ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થશે. તો આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં જળબમ્બાકાર થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાલાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદના વરતારા આપ્યા છે. સાથે સાથે 8 થી 9 જુલાઈના રોજ મધ્યમ વરસાદની અને ત્યારબાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

મહત્વનું છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોને અગત્યની સલાહ આપી છે. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતોને સૂચન કરતાં કહ્યું છે કે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. આગામી દિવસોમાં બનાસકાઠા, પાટણ, સાબરકાંઠા સહિત ઉત્તર ભાગના તેમજ મધ્ય ભાગના બધાજ વિસ્તારમાં મેઘ સવારી સારી રીતે આવશે.

હવામાન વિભાગે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. તો 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ અમદવાદમાં હાલ હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગામી પાંચ દિવસની આગાહીને પગલે માછીમારોને આજથી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે દરિયા કાંઠાના વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે વરસાદ થઇ શકે છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ નોંધાયો છે. પરંતુ હજુપણ સરેરાશ 34 ટકા વરસાદની ઘટ છે.

નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો કપરાડા, ધરમપુર, વલસાડ અને વાપીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. આ સાથે ખાંભામાં 3.5 ઈંચ, સાવરકુંડલામાં સવા 3 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, સુરતમાં સવા 2 ઈંચ, અને ગણદેવીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ખેડૂતો ખુશ થયા છે. ત્યારે આગામી દિવસોમાં હજુપણ વરસાદનું જોર વધશે.

Leave a Reply

Your email address will not be published.