ઇલેક્ટ્રિક વાહનોમાં અવાર નવાર આગ લાગવાની ઘટના બાદ કડક બની મોદી સરકાર, કંપનીઓ સામે ઉઠાવ્યુ આ મોટું પગલું

Gadget

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના કારણે લોકો ઈલેક્ટ્રીક વાહન તરફ વળી રહ્યા છે. પરંતુ જેમ જેમ ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ વધી રહ્યું છે તેમ ઇલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાની દુર્ઘટના પણ વધારે પ્રમાણમાં સર્જાઇ રહી છે. તેવામાં ઇલેક્ટ્રીક વાહનોની સુરક્ષાને લઈને લોકોના મનમાં પ્રશ્નો ઊભા થયા છે. જો કે આ મામલે હવે મોદી સરકાર પણ કડક કાર્યવાહી કરી રહી છે.

ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવા મામલે સરકારે ઓલા, pure ev જેવી કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ નોટિસમાં સરકારે કંપનીઓને પ્રશ્ન પૂછ્યા છે કે વાહનોમાં આગ લાગવાની સમસ્યાના કારણો શું છે ? સાથે જ સરકારે કંપનીઓને ચેતવણી આપી છે કે ખરાબ ઈલેક્ટ્રીક વાહનો ગ્રાહકોને વેચવા પર તેમની સામે કાર્યવાહી શા માટે કરવામાં ન આવે ?

મોદી સરકારે ઇલેક્ટ્રીક વાહનની નિર્માતા કંપનીઓને નોટિસ ફટકારી છે અને જુલાઈના અંત સુધીનો સમય તેમને જવાબ આપવા માટે આપ્યો છે. કંપનીઓ તરફથી જવાબ આવ્યા બાદ સરકાર આ મામલે નક્કી કરશે કે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવી કે નહીં. હાલ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ કરતી કંપનીઓના જવાબની રાહ જોઈ રહ્યું છે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ ગત માસમાં પ્યોર ઈવી અને બુમ મોટર્સને નોટિસ ફટકારી હતી. કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઈલેક્ટ્રીક સ્કૂટરમાં એપ્રિલ મહિનામાં આગ લાગી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઇલેક્ટ્રીક વાહનના બેટરી સેલ અને ડિઝાઇનમાં ખરાબી હતી. ત્યારબાદ મંત્રાલય તરફથી ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવા બાબતે તપાસ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

તપાસમાં જાણવા મળ્યું કે ઓલા ઈલેક્ટ્રીક, ઓકીનાવા, જીતેન્દ્ર ઇલેક્ટ્રીક વ્હીકલ, પ્યોર ઈવી, બૂમ મોટર્સ વાહનો બનાવવા માટે જે બેટરીનો ઉપયોગ કરતા હતા તે નિમ્ન શ્રેણીની હતી. ત્યારબાદ નીતિન ગડકરીએ ઇલેક્ટ્રીક વાહનોની નિર્માતા કંપનીને દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.