અતિભારે વરસાદની આગાહીના કારણે સરકાર એલર્ટ, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ NDRF ની ટિમ સ્ટેન્ડ ટૂ કરાઈ

Weather

રાજ્યના વિવિધ વિસ્તારોમાં સપ્તાહની શરૂઆતથી જ વરસાદી વાતાવરણ છે. તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર જો વરસાદ થાય તો સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. સાથે જ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

દરિયા કિનારાના વિસ્તારોમાં જેમ કે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા એનટીઆરએસ ની 25 જવાનોની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ટીમ અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. સાથે જ જિલ્લામાં 29 સેન્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લાના કંટ્રોલરૂમ ઉપરાંત તાલુકા મથકે 24 કલાકના કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે જેથી કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળાય.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આઠ જેટલી NDRFની ટીમ ફાળવવામાં આવી છે. જેમાં ભાવનગર શહેર ખાતે પણ એક ટીમ સવારે પહોંચી ચૂકી હતી. ભાવનગર શહેરમાં એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

રાજ્યમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આઠ જુલાઈએ અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. જો કે આ દરમિયાન અમદાવાદમાં સામાન્ય વરસાદ થશે. તપ આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે.

ચોમાસાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. જોકે રાજ્યમાં હજી 34% વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ, નવસારી, દમણ, વલસાડ, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, ભાવનગર, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથમાં વરસાદ થાય તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સોમવારે રાજ્યના કુલ 70 તાલુકામાં વરસાદ થયો હતો. જેમાં અમરેલી સાવરકુંડલા અને ખાંભામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પારડી, ઉમરગામ, વાપી, વિસાવદરમાં અનુક્રમે બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published.