આગામી પાંચ દિવસ રાજ્યમાં મૂશળધાર વરસાદની આગાહી, ભારે વરસાદની ચેતવણીના પગલે તંત્ર એલર્ટ

Weather

રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં મોટા ભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવે ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસે તેવી શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હજુ પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યમાં 10 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા NDRF ની ટિમ તૈનાત કરવા સહિતના અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આકાશી આફતની ચેતવણીના પગલે રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રના રાહત બચાવ અને અગમચેતી સંબંધી આગોતરા પગલાંની સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના સુત્રાપાડા અને કોડીનારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે ભારે વરસાદને પગલે સુત્રાપાડામાં જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં સુત્રાપાડામાં 13 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુત્રાપાડાની બજારોમાં નદીની જેમ પાણી વહી રહ્યા હતા. તો ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું છે. મૂશળધાર વરસાદને લઈ સુત્રાપાડામાં જનજીવન પણ અસ્ત-વ્યસ્ત બની ગયું છે.

ગુજરાતમાં છેલ્લાં 2-3 દિવસથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસતા પ્રાચીતીર્થનું પ્રસિદ્ધ માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. તો સરસ્વતી નદીમાં નવા નીર આવતા પૂજારીએ નવા નીરના વધામણા કર્યા છે. સરસ્વતી નદીમાં સિઝનનું પહેલું પૂર આવતા ગ્રામજનો નદીનો નજારો જોવા ઉમટી પડ્યા.

રાજ્યમાં વરસાદની સંભાવનાઓને લઈને સરકાર એલર્ટ પર છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં 9 જુલાઈ સુધી રેડ એલર્ટ જારી કર્યું છે તથા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી આવી છે. તો આ સાથે જ પોરબંદર, નવસારીમાં, તાપી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ, એમરેલી, આણંદ જિલ્લાંમાં યલો એલર્ટ અને ભાવનગર, ભરૂચ, સૂરત, નવસારી, વલસાડ આ પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો મીડિયા અહેવાલ મુજબ હવામાન દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૂત્રાપાડામાં 6.25 ઇંચ, વેરાવળમાં 5.25 ઇંચ, માંગરોળમાં 4.5 ઇંચ, હળવદમાં 2.25 ઇંચ, ધરમપુરમાં 2.25 ઇંચ, પારડીમાં 2.25 ઇંચ, ભૂજમાં 2.25 ઇંચ અને વલસાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

વરસાદને પગલે નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે. ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં એક ડેમ હાઈ એલર્ટ પર છે અને એક ડેમ એલર્ટ પર છે. મોટા ભાગના ડેમની જળસપાટી ઉપર આવી છે.

Leave a Reply

Your email address will not be published.