ગુજરાતમાં વરસાદની હેલી શરૂ થઇ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સુરક્ષા રૂપે કેટલાક વિસ્તાઓમાં NDRF ની ટીમ ખડે પગે કરવામાં આવી છે.
મીડિયા અહેવાલ અનુસાર રાજ્યમાં 7 અને 8 જુલાઈએ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે. તો 8 અને 9 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સાથે તોફાની પવનને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર સર્જાયું છે. જે મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. આ સાથે જ પવનની ગતિ તેજ થશે અને વરસાદનું પણ જોર વધશે. જેના કારણે 6 જુલાઈથી પાંચ દિવસ સુધી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ વરસાદ છૂટો છવાયો વરસાદ થશે.
આગામી ચાર દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. હજુ સુધી રાજ્યમાં જોઈએ એવો વરસાદ વરસ્યો નથી. ત્યારે આગામી દિવસોમાં વરસાદની ઘટ પુરી થાય તેવી શક્યતા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, 24 કલાકમાં 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં એક લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર પણ સજ્જ બન્યું છે. રાજ્યમાં એક તરફ લો પ્રેશરને કારણે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
મીડિયા અહેવાલ અનુસાર વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ત્યારે સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ગીર-સોમનાથ જિલ્લામાં NDRF ની અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ તૈનાત કરાઈ છે. તેમજ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે.